Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

આરોહણ

અમારી હિમાલયની યાત્રા ચાલે છે. યાત્રાના ક્રમે અમે ઉત્તરકાશી પહોંચ્‍યા છીએ. ઉત્તરકાશીમાં એક પર્વતારોહણ તાલિમ કેન્‍દ્ર છે. એક પર્વતારોહક સાથે મુલાકાત થઇ ગઇ. આપણા આ પર્વતારોહક ફ્રાન્‍સના વતની છે અને અહી થોડા સમય માટે નવા પર્વતારોહકોને તાલીમ આપવા માટે આવ્‍યા છે. પોતે સારા અનુભવી પર્વતારોહક છે અને આલ્‍પ્‍સ તથા હિમાલયના અનેક શિખરો તેમણે સર કર્યા છે.

અમે બંને ગંગાને કિનારે બેઠા છીએ. તેઓ બોલે છે અને હું શ્રવણકુમાર બની ગયો છુ. તેઓ મને તેમના પર્વતારોહણના હેરતભર્યા અનુભવી કહી રહ્યા છે અને હું શ્રવણપુટથી પાન કરી રહ્યો છુ. આ લપ્‍સના સૌથી ઉંચા શિખર પર તેઓ થઇ આવ્‍યા છે. તેમના આ વિરલ પર્વતારોહણના અનુભવો હું તન્‍મય બનીને સાંભળી રહ્યો છુ. આ શિખર છે - માઉન્‍ટ બ્‍લેક વચ્‍ચે વચ્‍ચે હું થોડા પ્રશ્નો પુછુ છું અને તે પણ તેમને આગળ બોલાવવા માટે આ ક્રમમાં મેં તેમને એક પ્રશ્ન પૂછયો -

‘આપ માઉન્‍ટ બ્‍લેકની ટોચ પર ઉભા રહ્યા ત્‍યારે આપને કેવું લાગ્‍યું? શું અનુભવાયું?'

થોડીવાર તો તેઓ મૌન રહ્યા, સ્‍મિત કરતા રહ્યા અને આખરે બોલ્‍યાં,

‘હું માઉન્‍ટ બ્‍લેકની ટોચ પર હું ઉભો નથી રહ્યો. અમે કોઇ માઉન્‍ટ બ્‍લેકની ટોચ પર ઉભા નથી રહ્યા.'

‘પણ તમે તો માઉન્‍ટ બ્‍લેકનું આરોહણ કર્યું છે ને!'

‘હા, તે સાચુ છે, પરંતુ અમારી પર્વતારોહણની પધ્‍ધતિ જૂદી જ છે. અમારી મનોભાવના જ સાવ જૂદી જ છે!'

‘એટલે?'

‘સમજવું મુશ્‍કેલ છે, પરંતુ આશા રાખું છુ તમે સમજી શકશો'

આટલી ભૂમિકા બાંધીને તેમણે પ્રારંભ કર્યો,

‘અમે બધા નહિ, ઘણા બધા પણ નહિ, પરંતુ કેટલાક પર્વતારોહકો જૂદી જ માટીના ઘડાયેલા છીએ. અમે પર્વતારોહણ કરીએ છીએ, પરંતુ પર્વતશિખર સર કરવા માટે નહિ, પર્વતશિખર પર વિજય મેળવવા માટે તો નહિ જ!'

‘તો?'

‘જેમ એક ભકત મંદિરમાં જાય છે, ભગવાનના દર્શન માટે, તેમ અમે પર્વતના શિખરની ટોચના દર્શન કરવા જઇએ છીએ. અમારે માટે પર્વતારોહણ એક ઉપાસના છે. એક પૂજા છે, અમે પર્વતશિખર પર વિજય મેળવવા માટે નહિ, તેને સર કરવા માટે નહિ, પરંતુ તેમના દર્શન કરવા માટે, તેમને વંદન કરવા માટે જઇએ છીએ!'

હું સ્‍તબ્‍ધ બનીને સાંભળી રહ્યો છું, તેઓ પણ ભાવવિભોર બનીને બોલી રહ્યા છે.

‘અમે પર્વત શિખર પર પહોંચીએ ત્‍યારે પર્વતની ટોચ પર પગ ન મૂકીએ, અમે એક પગલું નીચે જ રહીએ. ત્‍યાં જ ઉભા રહીએ. ત્‍યાંથી જ પર્વતના શિખરની ટોચને વંદન કરીને, પ્રાર્થના કરીને પાછા ફરી જઇએ.'

મહામહેનતે, જીવના જોખમે પર્વતની ટોચ પર પહોંચીને એક પગલું નીચે જ રહીને પ્રણામ કરીને પાછા ફરવા માટે ઘણી નમ્રતા, ઘણી સમજ અને ઘણી ભકિતની જરૂર પડે છે.

મારૂ મસ્‍તક આ વિરલ પર્વતારોહકની મહાનતાને નમી ગયું, મને થયુ લાવ આ મહામાનવીના ચરણધૂળ મસ્‍તકે લગાડી દઉં, લાવ, તેના ચરણોમાં આળોટી પડું!

તેમણે આગળ ચલાવ્‍યું.

‘પર્વતની ટોચ પર પગ મૂકવો, તે તો અહંકારની યાત્રા છે. તે તો પર્વતદેવનું અપમાન છે અને તેથી અપરાધ છે. અમે એવું કદી ન કરી શકીએ. અમે પર્વતારોહણ કરીએ છીએ, અહંકારની પુષ્‍ટિ માટે નહિ, અહંકારમાંથી મુકિત મેળવવા માટે? આ મહાન પર્વતોની પાસે આપણે શું છીએ? અમારે પર્વતશિખરો સર કરવાનો અહંકાર ન જોઇએ. અમારે જોઇએ અમારા પર્વતદેવની કૃપા, અમારા પર્વતદેવની ભકિત.'

આ પર્વતારોહકના હૃદયના દ્વાર ખુલ્લી ગયા છે અને હવે તેમનો વાણી પ્રવાહ અસ્‍ખલિત સ્‍વરૂપે ચાલે છે. હુ મૌન જ રહ્યો તેમનો વાણીપ્રવાહ આગળ ચાલ્‍યો.

‘જીવન કોઇ વિજયયાત્રા નથી.પ્રાચીન કાળમાં રાજાઓ વિજયયાત્રા માટે નીકળતા અને યુધ્‍ધો કરીને વિજય કે મૃત્‍યુને પામતા પરંતુ જીવન કોઇ વિજયયાત્રા નથી. સિકંદર જગત જીતવા માટે નીકળ્‍યો. શુ થયું? જગત જીતતા પહેલાં જ બેબિલોનમાં મૃત્‍યુ પામયો અને જગત જીતી લીધુ હોત તો પણ બેબિલોનમાં નહિ તો બીજે કયાંક મૃત્‍યુ પામ્‍યો હોત. જેઓ જીતવા માટે જીવે છે. તેઓ જીતે કે હારે તો પણ આખરે હારે જ છે. કારણ જીવનયાત્રા વિજયયાત્રા નથી. વિજયની દોડ જ વસ્‍તુતઃ ખોટી દોડ છે. અમારે કોઇ વિજય જોઇતો નથી. અમારે કોઇ પર્વતશિખરો પર વિજય મેળવવો નથી. અમારે કોઇ પર્વતશિખરો સર કરવા નથી. અમારે તો પર્વતશિખરોને પ્રણામ કરવા છે.'

અમારી વાત તો અહીં પુરી થઇ, પરંતુ મારી ચિત્તતંત્રી ચાલુ રહી છે. જીવન કોઇ વિજયયાત્રા નથી. આપણે કયાંય પહોચવાનું નથી.

હું કવિ નથી, પરંતુ કવચિત થોડી કાવ્‍યપંકિતઓ આવી જાય છે. પર્વતારોહક તો ગયા, પરંતુ મારી ચિત્તતંત્રીને હલાવી ગયા અને ચિત્તતંત્રીમાંથી થોડા શબ્‍દો સરી પડયા.

કળતી પિંડીઓ હાંફતી છાતી

કહી રહ્યો છે કાનમાં,

સમજાય તો સમજી લેજો

આ સાન કાંઇ પરાઇ નથી

માનો ન માનો મરજી તમારી

પણ ભલી કહું છુ વાત

આ ‘હું' આ પોટલું, આ રસ્‍તો

આ બધું કાંઇ સાચું નથી

પોલાણમાં એક સ્‍થાન છે,

અજબગજબનું સ્‍થાન છે,

ત્‍યાં જો સરકી જવાય તો,

તો વિરામ સિવાય કશું નથી.

મટી ગઇ છે દોડ

ઓગળી ગયા છે પહાડો

વિરમી ગયા છે ચરણો

આપણે કયાંય જવાનું નથી.

જીવનભર દોડાદોડી કરીને કયાં પહોંચવું છે? જીવનમાં વિજય મેળવીને શું મેળવવું છે? જીવનને વિજયયાત્રા શા માટે બનાવવી છે? આ વિજયયાત્રાને અંતે શું પામવું છે ? વિજયયાત્રા આખરે કયાં દોરી જાય છે? જેઓએ જીવનમાં પ્રચંડ વિજયો હાંસલ કર્યા, તેઓ આ વિજયોને અંતે શું પામ્‍યા છે?

આનો અર્થ એમ નહિ કે જીવનમાં કશું કરવાનું નથી. આનો અર્થ એમ પણ નહિ કે પ્રમાદીની જેમ પડયા રહેવાનું છે. જીવન ગતિ છે, જીવનવિકાસ યાત્રા છે. આ વિકાસયાત્રા સતત અનવરત ચાલુ રહેવી જોઇએ, તેમા બે મત નથી.

તો કરવાનું શું છે?

કરવાનું છે,

વિકાસ પણ હરિફાઇ નહિ

પ્રગતિ પણ પહેલો નંબર મેળવવા માટે નહિ. આરોહણ પણ શિખર સર કરવા માટે નહિ. પુરૂષાર્થ પણ મહત્‍વકાંક્ષાની સિધ્‍ધિ માટે નહિ.

એક એવી પ્રગતિ, એક એવી વિકાસયાત્રા એક એવું આરોહણ, એક એવો પુરૂષાર્થ, જે હરિફાઇ, પહેલો નંબર મેળવવાની આકાંક્ષા, શિખર સર કરવાની ઘેલછા અને મહત્‍વાકાંક્ષાની બિમારીથી સર્વથા મુકત હોય.

લાઓત્‍સેએ ઠીક જ કહ્યુ છે,

‘જયારે સૌ પહેલો નંબર મેળવવા માટે ગાંડાની પેઠે દોડી રહ્યા હોય, ત્‍યારે હે બંધુ! તું સૌની પાછળ લંગડાતો લંગડાતો ચાલજે અને ધરપત રાખજે, એ જ તારો ખરો પહેલો નંબર છે.'

જીવન કોઇ યુધ્‍ધ નથી અને યુધ્‍ધ હોય તો પણ અમારે તો હારી જવાની વીરતા દાખવવી છે! જેમને જીતવું જ નથી તેમને કોણ હરાવી શકે? બ્રહ્માંડની કોઇ શકિત મને હરાવી શકશે નહિ, કારણ કે મારે જીતવું જ નથી.

તો જીવનમાં શું કરવાનું છે?

જીવન વિકાસયાત્રા છે. વિકસતા રહો.

'To live is to grow and to grow is to grow in conseiousness'

‘જીવવું એટલે વિકસવું અને વિકસવું એટલે ચેતનાનો વિકાસ'

: આલેખન :

ભાણદેવ

સરસ્‍વતિ નિકેતન આશ્રમ,

પટેલ વિદ્યાલય પાસે, જોધપર (નદી)

વાયા મોરબી - ૩૬૩૬૪૨ (મો.૯૩૭૪૪૧૬૬૧૦)

(10:46 am IST)