Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ઘઉના રૂપીયા બઝારમાં ફરતા તેજી આવવાની પુરી શકયતા

આ વરસે કેશોદ વિસ્તારમાં ઘઉંનો બમ્પર પાક ઉતરશે

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ, તા., ૧૫: ગયા ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં દર વરસની સરખામણીમાં આશરે સવાયો વરસાદ થતા ભુતળમાં ભરાયેલા પાણીના પરીણામ રૂપે આ વરસે આ વિસ્તારમાં ઘઉંનો બમ્પર પાક ઉતરવાની શકયતા છે અને આ ઘઉંના રૂ. ખેડુતોના હાથમાં આવ્યા બાદ બઝારમાં ફરતા થતા બઝારમાં પણ તેજી આવવાની પુરી શકયતા જોવાઇ રહી છે.

આ વિસ્તારનો મુખ્ય શિયાળુ પાક ઘઉ છે અને લગભગ ૯૦ ટકા ખેડુતો શિયાળામાં ઘઉનું વાવેતર કરે છે ચોમાસુ પાક મગફળી ખેતરોમાંથી ઉપડી ગયા પછી તુરત જ ઘઉંનું વાવેતર થાય છે અને તેનો સારામાં સારો પાક થાય છે પરંતુ ગયા ચોમાસા દરમિયાન દર વરસની સરખામણીમાં વધારે વરસાદ અને સામાન્ય સ્થિતી કરતા લંબાયેલા ચોમાસાના કારણે મગફળીના પાકને ભારે નુકશાન થયું હતું જે ખેતરમાં દર વરસે મગફળીનો ૧પ-ર૦ મણ પાક ઉતરતો હતો તે ખેતરમાં આ વરસે પ-૭ મણ માંડ ઉતારો આવ્યો હતો. તેના સીધા પરીણામ રૂપે ખેડુતો માટે મગફળીના પાક પાછળના ખર્ચ જેટલી રકમ પણ હાથમાં આવી ન હતી. જેથી ખેડુતોના તમામ આયોજન ખોરવાઇ ગયા હતા.

પરંતુ મગફળીના પાકની ઉપરોકત સ્થિતિની કસર ઘઉંના પાકમાં મળી રહે તેવી પુરી શકયતા છે. ખેતરોમાં અત્યારે ઘઉંનો પાક હિલોળા લઇ રહયો છે અને લગભગ મોટા ભાગના ખેડુતોએ આ પાકને પાણી આપવાનું બંધ કરી દીધું છે. જેથી ગણત્રીના દિવસોમાં આ પાકની લહાણીનું કામ શરૂ થશે આ માટે આશરે ૧૮૦૦ કિલોમીટર દુર પંજાબમાંથી હાર્વેસ્ટર મશીન (કટીંગ મશીન) પણ મોટી સંખ્યામાં લઇ અને પંજાબીઓ આવ્યા છે.

અત્યારે બઝારમાં મંદીનું વાતાવરણ પ્રવર્તી રહયુ઼ છે પરંતુ ઘઉંના રૂપીયા બજારમાં આવતા આજની આ મંદીનું વાતાવરણ દુર થવાની પુરેપુરી શકયતા છે.

(11:37 am IST)