Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

કોરોના વેકસીનનો બીજો ડોઝ ચુકયા તો સુરક્ષા કવચ ફેઇલ

પ્રથમ ડોઝના ૨૮ દિવસ પછી બીજો ડોઝ લેવાનો હોય છે : આપણે ત્યાં છેલ્લા બે દિવસથી બીજા ડોઝન આપવાનું શરૂ : પણ સમયસર બીજો ડોઝ લેવા આવનારની સંખ્યા ખુબ ઓછી

નવી દિલ્હી તા. ૧૫ : કોરોના સામે સુરક્ષા મેળવવા વેકસીનની શોધ અને સફળ પરીક્ષણો બાદ ડોઝ આપવાનું શરૂ કરાયુ હતુ. પરંતુ સંપૂર્ણ સુરક્ષા કવચ માટે બે ડોઝ નિકકી કરાયા છે તેમાંથી જો બીજો ડોઝ ચુકી જવાય તો આ સુરક્ષા કવચ સંપૂર્ણ ફેઇલ જવાની ભીતી આરોગ્ય વિભાગના સંશોધકોએ વ્યકત કરી છે.

આપણે ત્યાં કોરોના સામે લડતા વોરીયર્સને પ્રથમ ડોઝ અપાયાને ૨૮ દિવસ પૂર્ણ થઇ ચુકયા છે. ૨૮ દિવસ બાદ બીજો ડોઝ લેવાની ગાઇડ લાઇન છે. ત્યારે છેલ્લા બે દિવસથી કોરોના વેકસીનનો બીજો ડોઝ દેવાનું શરૂ તો કરી દેવાયુ છે. પરંતુ બીજો જોઝ લેવામાં ભારે નિરસતા હોય તેમ છેલ્લા બે દિવસની અંદર માત્ર ૪% લોકોએ જ રસ દાખવ્યો છે.

હવે જો આવુ જ ચાલ્યુ અને પ્રથમ ડોઝ લેનારાઓ બીજો ડોઝ લેવામાં લાપરવાહ રહેશે તો તેમની સુરક્ષા માટેનું કવચ તુટી જવાની ચિંતા રસીના સંશોધકોએ વ્યકત કરી છે.

ભારતમાં કોવીશીલ્ડ અને કોવેકસીન રસીકરણ કરવામાં આવી રહ્યુ છે. સરકારી ગાઇડ લાઇન મુજબ ૨૮ દિવસના અંતરે બે ડોઝ લેવાઇ જવા જરૂરી છે. બન્ને ડોઝ લેવાઇ ગયા પછી જ તેની ખરી અસર શરૂ થાય છે.

બીજા ડોઝને બુસ્ટર કહેવામાં આવે છે. પહેલો ડોઝ પ્રતિરક્ષા તંત્રને એન્ટીબોડી વિકસીત કરી આપે છે. તો બીજો ડોઝ તંત્રની ક્ષમતા મજબુત કરી આપે છે. આ પ્રથમ ડોઝ લીધાના ૨૮ દિવસ પછી બીજો ડોઝ લેવાઇ જવો પણ એટલો જ હીતાવહ છે. નહી તો પ્રથમ ડોઝ લીધાનો કોઇ ફાયદો મળતો નથી.

શનિવારથી કોરોના વેકસીનના બીજા ડોઝ દેવાનું શરૂ કરી દેવાયુ છે. જે અંતર્ગત આજે સોમવારથી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, નાગાલેન્ડ, ઓરીસા, કર્ણાટકમાં બીજો ડોઝ આપવાનું શરૂ થવા જઇ રહ્યુ છે. જયારે તાલમીલનાડુ અને કેરલમાં કાલે મંગળવારથી બીજો ડોઝ આપવાનું શરૂ કરવામાં આવનાર છે.

અમેરીકાની વાત કરીએ તો ત્યાં પ્રથમ ડોઝ દેવા માટે પણ ખુબ પડકારરૂપ પરિસ્થિતી હતી. ત્યારે હવે બીજો ડોઝ આપવાનું કાર્ય વધુ કઠીન બની રહે તેમ હોવાનું કહેવાય છે.

જયારે બ્રીટનની વાત કરીએ તો હજુ ત્યાં તો પ્રથમ ડોઝ આપવાની રણનીતી ઘડાઇ રહી છે. જેથી ત્યાની સરકારે બીજો ડોઝ આપવાની અવધી વધારીને ત્રણ મહીના કરી નાખી છે.

કોરોના રસીના ડોઝ અંગે સર્જાતા સવાલો અને ઉત્તરો

સવાલ : પ્રથમ ડોઝ પછી બીજા ડોઝ માટે ૨૮ દિવસનું અંતર રાખવાનો શું મતલબ ?

ઉત્તર : ડબલ્યુએચઓએ જણાવ્યા મુજબ દુનિયામાં ઉપલબ્ધ કોરોના રસી બે ડોઝમાં અપાય છે. જેમાં પહેલો ડોઝ શરીરને સંક્રમણથી લડવા તૈયાર કરેછે. જયારે બીજો ડોઝ એ ક્ષમતાને વધારવાનું કામ કરે છે. એટલે ૨૮ દિવસ પછી બીજો ડોઝ એટલો જ જરૂરી બની રહે છે.

સવાલ : પહેલાથી જ એન્ટીબોડી બનવા લાગ્યા હોય તો બીજો ડોઝ લેવાની જરૂર ખરી ?

ઉત્તર : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જારી કરેલ માહીતી અનુસાર બીજો ડોઝ લીધાના ૧૪ દિવસ પછી જ શરીરમાં તેની અસર બતાવે છે. પહેલો ડોઝ લીધા પછી એન્ટીબોડી બનવા લાગ્યા હોય તો તે વાયરસ સામે લડવા કેટલા શકિતશાળી પુરવાર થઇ શકે તે અંગે કોઇ માહીતી હજુ આવી નથી.

સવાલ : બીજો ડોઝ સમયસર ન લેવાય તો શું અસર થાય ?

ઉત્તર : સરકારી ગાઇડ લાઇન જણાવે છે કે પહેલા ડોઝના ૨૮ દિવસ બાદ બીજો ડોઝ લેવાો હીતાવહ છે. શરીરને સમયસર બન્ને ડોઝ ન મળે તો તેની માઠી અસર પ્રતિરક્ષા તંત્ર પર પડે છે.

સવાલ : પહેલા ડોઝ પછી હળવા લક્ષણો જોવા મળ્યા તો શું બીજા ડોઝ પછી પણ આવા લક્ષણો જોવા મળશે ?

ઉત્તર : પ્રથમ ડોઝ દેવાયા બાદ ઘણાને શરીર પર હળવા લક્ષણો દેખાયા હતા. જેમ કે તાવ, માથુ દુઃખવુ જેવા લક્ષણો ઘણાને દેખાયા હતા. આ સામાન્ય લક્ષણો છે. ત્યારે બીજા ડોઝ પછી હજી સુધી કોઇ લક્ષણો સામે આવ્યા નથી.

સવાલ : શું બીજો ડોઝ લીધા પછી માસ્કવગર ફરી શકાય ?

ઉત્તર : અમેરીકાના સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્સશને જણાવ્યા અનુસાર બન્ને ડોઝ લેવાય ગયા પછી પણ આ લોકો વગર લક્ષણ બતાવ્યે સંક્રમણના વાહક બની શકે છે. જે અન્ય લોકો માટે ખતરારૂપ પુરવાર થાય છે.

(11:37 am IST)