Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

હવે ૪૦ લાખ ટ્રેકટરોની રેલી : ટિકૈત

સંયુકત કિશાન મોરચો દેશભરમાં આંદોલન લઈ જશે : સંયુકત કિશાન મોરચાના બેનર હેઠળ તમામ ખેડૂતો એકત્ર થઈ રહ્યાનો દાવો : સમગ્ર દેશમાં આંદોલન લઈ જવા એલાન : ખેડૂતોની મજાક ઉડાડનારાઓને ચમત્‍કાર બતાવવાનો સમય આવી પહોંચ્‍યો છે : બંધ ઓરડામાં નહિં ખેતરોમાં નિર્ણય લેવાશે

નવી દિલ્‍હી, તા. ૧૫ : હરિયાણાનાં ઇન્‍દ્રીની અનાજ મંડીમાં આયોજીત મહાપંચાયતમાં ભારતીય કિસાન યુનિયનનાં રાષ્‍ટ્રિય પ્રવક્‍તા રાકેશ ટિકૈતે કેન્‍દ્ર સરકારને નિશાન બનાવીને ‘લડેગા જવાન,જીતેગા કિસાન'નો નારો લગાવતા કહ્યું કે સંયુક્‍ત કિસાન મોરચાનાં બેનર હેઠળ તમામ ખેડુતો એકત્રિત થઇ રહ્યા છે, અમારૂ મંચ કે પંચ નથી, અમે સમગ્ર દેશમાં આંદોલન લઇને જઇશું. ત્‍યાં જ ખેડુત નેતા ગુરનામ સિંહ ચઢુનીએ કહ્યું કે ખેડુતોની મજાક ઉડાડનારા લોકોને ચમત્‍કાર બતાવવાનો સમય આવી ગયો છે.

ટિકૈતે કહ્યું કે સામાન્‍ય લોકોને ફોસલાવીને કેન્‍દ્રમાં સરકાર મેળવનારા લોકો દેશ વેચી રહ્યા છે, તમામ સરકારી કંપનીઓ વેચવામાં આવી રહી છે, અનેક યુવાનો બેકાર થઇ ગયાસ હવે ખેડુત જ દેશનું ભવિષ્‍ય નક્કી કરશે, સમગ્ર દેશનો વિશ્વાસ ખેડુતો સાથે જોડાયેલો છે, સંયુક્‍ત મોર્ચો સંપુર્ણપણે મજબુત છે, આનાથી ચિંતિત લોકો આંદોલનમાં ધાર્મિક રંગ ઘોળીને એકતાને તોડવા માંગે છે, પરંતુ આપણે તેનાથી સંપુર્ણપણે સાવધ રહેવું પડશે. અમે કેન્‍દ્ર સરકારને ચેનથી બેસવા નહીં દઇએ, આયોજનમાં રણજીત રાજુ રાજસ્‍થાન, બલબીર સિંહ રાજેવાલ સહિતનાં અન્‍ય નેતાઓ પણ પોતાના વિચારો રજુ કર્યા.

ટિકૈતે સભામાં કહ્યું જ્‍યારે તે ગાઝીપુર બોર્ડર પર આંદોલન અંગે ભાવુક થયા તો ૨૦ મિનિટમાં જ સમગ્ર હરિયાણાનાં યુવાનો અને મહિલાઓ સમર્થનમાં આવી ગઇ, અમારા મંચ અને પંચમાં કોઇ બદલાવ આવ્‍યો નથી, હવે જે રેલી યોજાશે તેમાં ૪૦ લાખ ટ્રેક્‍ટરોનું લક્ષ્ય નક્કી કરીશું, ખેડુત પોતાના હક્ક અંગે બંધ ઓરડામાં નહીં પણ ખેતરોમાં નિર્ણય કરશે.

(12:47 pm IST)