Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ટૂલકિટ મામલે દિશા રવિની ધરપકડ બાદ અનેક નેતાઓએ ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી તા. ૧૫ : ટૂલકિટ મામલે કલાઈમેટ એકિટવિસ્ટ દિશા રવિની ધરપકડ બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત વિપક્ષના અનેક નેતાઓએ સવાલ ઉઠાવ્યા છે. કેજરીવાલે તેને લોકતંત્ર પર હુમલો ગણાવ્યો છે. જયારે પ્રિયંકા ગાંધીએ શાયરી લખીને કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો છે.

દિશા રવિ  ની ધરપકડ પર પ્રિયંકા ગાંધી એ ટ્વીટ કરીને લખ્યું કે, 'ડરતે હૈ બંદૂકોવાલે એક નિહત્થી લડકી સે, ફેલે હૈ હિંમત કે ઉજાલે એક નિહત્થી લડકી સે.' આ સાથે જ તેમણે ૩ હેશટેગસાથે દિશાના છૂટકારાની માગણી કરી.'

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે  લખ્યું- '૨૧ વર્ષની દિશા રવિની ધરપકડ લોકતંત્ર પર અભૂતપૂર્વ હુમલો છે. પોતાના ખેડૂતોનું સમર્થન કરવું એ અપરાધ નથી.' 'કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે લખ્યું કે, 'જો માઉન્ટ કાર્મેલ કોલેજની ૨૨ વર્ષની વિદ્યાર્થી અને જળવાયુ કાર્યકર દિશા રવિ દેશ માટે જોખમ બની ગઈ છે, તો ભારત ખુબ જ નબળા પાયા પર ઊભો છે. ચીની સૈનિકો દ્વારા ભારતીય વિસ્તારમાં ધૂસણખોરીની સરખામણીમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શનનું સમર્થન કરવા માટે લાવવામાં આવેલી એક ટૂલકિટ વધુ ખતરનાક છે.' તેમણે વધુમાં લખ્યું કે 'ભારત રંગમંચ બની રહ્યો છે અને એ દુૅંખદ છે કે દિલ્હી પોલીસ ઉત્પીડકોનું ઔજાર બની ગઈ છે. હું દિશા રવિની ધરપકડની કડક શબ્દોમાં ટીકા કરું છું અને તમામ વિદ્યાર્થીઓ અને યુવાઓને આગ્રહ કરું છું કે તેઓ નિરંકુશ શાસન વિરુદ્ઘ અવાજ ઉઠાવે.'

દિશા રવિની ધરપકડ પર સવાલ ઉઠાવતા કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે લખ્યું કે દિશા રવિ, જળવાયુ કાર્યકર. શું દેશ એટલો નબળો છે કે એક ટ્વીટથી તેમની સુરક્ષાને જોખમ છે? શું દેશ એટલો વિપરિત છે કે ૨૨ વર્ષની કાર્યકરથી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ છે? શું દેશ એટલો સહિષ્ણુ છે કે તે ખેડૂતોની સાથે ઊભેલા યુવાઓને સહન કરી શકતો નથી? શું આ 'બદલાવ' ઈચ્છતા હતા મોદીજી?

દિશા રવિની ધરપકડ પર દિગ્વિજય સિંહે કહ્યું કે 'ગ્રેટા થનબર્ગ દ્વારા શેર કરાયેલી ટૂલકિટ પર ૨૧ વર્ષની દિશા રવિની ધરપકડ કરી? બિલકુલ શરમજનક. ગ્લોબલ કલાઈમેટ ચેન્જ સાથે જોડાયેલી એક યુવા એકિટવિસ્ટ પર અજીબ આરોપ લગાવવામાં આવ્યો છે.'

પોલીસે આરોપ લગાવ્યો છે કે ભારત વિરુદ્ઘ વૈમનસ્ય ફેલાવવા બદલ દિશા રવિ અને અન્યએ ખાલિસ્તાન સમર્થક સમૂહ 'પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન' સાથે સાંઠગાંઠ કરી. પોલીસે જણાવ્યું કે ગ્રેટા થનબર્ગ સાથે ટૂલકિટ શેર કરનારાઓમાંથી એક દિશા રવિ પણ હતી. પોલીસના જણાવ્યાં મુજબ રવિની તેના ઘરેથી અટકાયત કરાઈ અને ત્યારબાદ 'ટૂલકિટ' બનાવવા ઉપરાંત તેના પ્રચાર-પ્રસારમાં સંડોવણીના આરોપમાં તેની ધરપકડ કરાઈ.

(3:09 pm IST)