Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ખેડૂત આંદોલન પ્રકરણમાં ચર્ચાસ્પદ બનેલ ટૂલકિટ મામલે દિશા રવિની મિત્ર નિકિતા જેકબ ભાગેડુ જાહેર

નવી દિલ્હી, તા. ૧પ : ખેડૂત આંદોલન દરમિયાન ચર્ચાસ્પદ બનેલા ટૂલકિટ મામલે દિશા રવીમી મિત્ર નિકિતા જેકબને કોર્ટે ભાગેડુ જાહેર કરી છે. સાથે તેની સામે બિન જામિનપાત્ર વોરન્ટ પણ ઇસ્ટુ કરી દીધું. આ મામલે પર્યાવરણવિદ દિશા રવિની ધરપકડ બાદ પોલીસે તેના નિકટના લોકો સામે સકંજો કસ્યો છે. તેથી નિકિતા જેકબ ફરાર થઇ ગઇ.

સ્પેશિયલ સેલના સૂત્રો મુજબ ૧૧ ફેબ્રુઆરીએે નિકિતાના ઘરે ટીમ સર્ચ કરવા પહોંચી હતી. પોલીસની સ્પેશિયલ ટીમ તેનો મોબાઇલ ફોન અને ઇલેકટ્રીક ડિવાઇસ તપાસવા ગઇ હતી. પરંતુ સાંજનો સમય હોવાને લીધે પુછપરછ થઇ શકી નહીં. તેથી તપાસમાં સામેલ થવા અંગેના પેપર પર તેની સહી કરાવી હતી. પરંતુ ત્યાર બાદ તે ફરાર થઇ ગઇ.

દિલ્હી પોલીસે જણાવ્યું કે ખાલિસ્તાન સંગઠન સાથે સંકળાયેલા પોઇટિક જસ્ટિસ ફાઉન્ડેશનના એમઓ ધાલીવાલે કેનેડામાં રહેતા પોતાના સાથી પુનીત દ્વારા નિકિતા જેકબ નો સંપર્ક કર્યો હતો. તેનો હેતુ પ્રજાસત્તાક દિવસ પહેલા ટ્વીટર સ્ટોર્મ સર્જવાનો હતો. નિકિતા પહેલાં પણ પર્યાવરણ અંગેના મુદ્દા ઉઠાવતી રહી છે. તે વ્યવસાયે વકીલ છે.

પોલીસે જણાવ્યું કે ટ્વીટર પર મુદ્દો ચગાવવા માટે ૨૬ જાન્યુઆરી પહેલાં એક ઝૂમ મીટિંગ થઇ. જેમાં એમઓ ધાલીવાલ, નિકિતા અને દિશા ઉપરાંત અન્ય લોકો પણ સામેલ થયા હતા. ધાલીવાલે કહ્યું હતું કે મુદ્દો બહુ ચગાવવાનો છે. તેનો હેતુ ખેડૂતો વચ્ચે અસંતોષ ફેલાવવા અને ખોટી માહિતી ફેલાવવાનો હતો. એટલે સુધી કે એક ખેડૂતનું મોત પણ પોલીસની ગોળીથી થયું હોવાનું ગણાવાયું.

૨૬ જાન્યુઆરી બાદ આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટિ અને એકિટવિસ્ટ ગ્રેટાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કારણ કે દિશા ગ્રેટાને ઓળખતી હતી. તેથી તેની મદદ લેવામાં આવી.

ખેડૂત આંદોલનના સમર્થનમાં કલાઇમેટ એકિટવિસ્ટ ગ્રેટા થનબર્ગે જે ટૂલકિટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેની તપાસની દિશા નક્કી થઇ ગઇ. જેમાં સૌથી પહેલી ધરપકડ બેંગ્લુરુની ૨૧ વર્ષીય પર્યાવરણવિદ દિશા રવિની ધરપકડ કરવામાં આવી. કોર્ટે તેને ૫ દિવસ માટે પોલીસ રિમાન્ડ પર સોંપી દીધી છે.

પોલીસના આરોપ મુજબ દિશા રવિ દેશને બદનામ કરવા અને માહોલ બગાડવા માટે ઉપયોગમાં લેવાયેલા ટૂલકિટ ની મુખ્ય સૂત્રધાર છે. દિશાએ ટૂલકિટને અનેક વખત એડિટ કર્યું. તેણે બે લાઇન એડિટ કરી હોવાની કબૂલાત કરી લીધી. પોલીસનો દોવો છે કે તે ખેડૂત આંદોલનથી પ્રભાવિત હતી અને તેણે ખેડૂતોના સમર્થનમાં આવું કર્યું.

પોલીસે દિશાનો મોબાઇલ જપ્ત કરી લીધો છે. પરંતુ તેમાંથી ડેટા પહેલેથી જ ડીલિટ કરાયો હોવાથી પોલીસ તેને રિટ્રીવ કરશે. દિશાએ એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યુ હતું. તેમાં નિકિતા જોડાયેલી છે. હવે તે પણ દિલ્હી પોલીસની રડાર પર છે. પરંતુ તે અંડરગ્રાઉન્ડ થઇ ગઇ.

(3:59 pm IST)