Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

બધા સ્ટ્રેઈન્સને હરાવવા વેક્સિન વર્ષમાં તૈયાર થશે

વેક્સિનનો અભ્યાસ કરતા બ્રિટિશ વૈજ્ઞાનિકોનો દાવો :નૉટિંઘમ યુનિ. એવી વેક્સિન બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે જે વાયરસના બાહ્ય પડ નહીં પરંતુ તેના કેન્દ્ર પર હુમલો કરે

નવી દિલ્હી, તા. ૧૫ : બ્રિટિશ વૈજ્ઞાનિકોએ કરેલા દાવા પ્રમાણે કોરોના વાયરસના તમામ સ્ટ્રેઈન્સને હરાવનારી યુનિવર્સલ વેક્સિન તૈયાર થતા એક વર્ષનો સમય લાગી જશે. વૈજ્ઞાનિકોના દાવા પ્રમાણે એક વર્ષમાં જે વેક્સિન તૈયાર થશે તેનાથી કોરોનાના કોઈ પણ સ્ટ્રેઈન કે વેરિયન્ટ વાયરસને હરાવી શકાશે. બ્રિટિશ વૈજ્ઞાનિકો હાલ વિશ્વમાં ઉપસ્થિત તમામ કોરોના વેક્સિનનો અભ્યાસ કરી રહ્યા છે.

નૉટિંઘમ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો એક એવી વેક્સિન બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે જે કોરોના વાયરસના બાહ્ય કાંટાળા પડ નહીં પરંતુ તેના કેન્દ્ર પર હુમલો કરે. નવી વેક્સિન કોરોના વાયરસના બાહ્ય કાંટાળા પ્રોટીન પડને બદલે તેના કેન્દ્ર એટલે કે ન્યૂક્લિયોકૈપસિડ પ્રોટીનને નિષ્ક્રિય કે કમજોર બનાવશે.

નૉટિંઘમ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની સાથે યુકેની દવા કંપની સ્કૈનસેલ પણ આ વેક્સિનને વિકસિત કરવાના કામમાં લાગી છે. આ કંપની કેન્સરની દવાઓ બનાવે છે. યુનિવર્સિટી અને દવા કંપની બંને મળીને ન્યૂ વેરિએન્ટ પ્રુફ કોરોના વેક્સિન બનાવવામાં લાગેલા છે અને આશા છે કે આ વેક્સિન ૨૦૨૨ સુધીમાં બનીને તૈયાર થઈ જાય.

વૈજ્ઞાનિકોના માનવા પ્રમાણે યુનિવર્સલ કોરોના વેક્સિનની હ્યુમન ટ્રાયલ આ વર્ષના પાછળના ૬ મહિનામાં શરૂ થઈ જશે. હાલ વૈજ્ઞાનિકો ઉંદરો પર આ વેક્સિનની તપાસ કરશે. તેના પર સકારાત્મક રિપોર્ટ્સ મળે ત્યાર બાદ જ હ્યુમન ટ્રાયલ કરવામાં આવશે. સ્કૈનસેલના ચીફ મેડિકલ અધિકારી ડૉ. ગિલિસ ઓબ્રાયન ટીયરે જણાવ્યું કે, હાલ તેઓ નહીં કહી શકે કે, પૈન-કોરોનાવાયરસ વેક્સિન બનશે પરંતુ તેમાં એ ક્ષમતા છે. તે કોરોના વાયરસના જે ભાગ પર હુમલો કરશે તેના કારણે તે અનેક વાયરસને મારવામાં સક્ષમ બની જશે અથવા તેને નિષ્ક્રિય કરી દેશે.

જેમ જેમ મનુષ્ય કોરોના વાયરસ સામે સંઘર્ષ કરવા તૈયારી કરી રહ્યો છે તેમ-તેમ વાયરસ સતત મ્યુટેટ થતો જઈ રહ્યો છે. માટે એક એવી વેક્સિનની જરૂર છે જે અનેક વેરિયન્ટ્સ મતલબ કે કોરોના સ્ટ્રેઈન્સને એક જ હુમલામાં નિષ્ક્રિય કરી શકે. જૂના કોરોના વાયરસની લહેર બાદ ૩ નવા વેરિયેન્ટ્સે વિશ્વને હેરાન કરી મુક્યું છે.

(7:09 pm IST)