Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ગૂગલ ટૂલકિટ મામલે દિશા રવિ બાદ અન્યની શોધખોળ

ટ્વિટર દ્વારા તોફાન ઊભું કરવાનું કાવતરૃં : નિકિતા જૈકબ અને શાંતનું સામે કેસ દાખલ કરીને બિન-જામીનપાત્ર વોરંટ જારી કરાયું, પોલીસની કડક કાર્યવાહી

નવી દિલ્હી, તા. ૧૫ : ગૂગલ ટૂલકિટ મામલે દિશા રવિની ધરપકડ બાદ હવે દિલ્હી પોલીસ નિકિતા જૈકબ અને શાંતનુંને શોધી રહી છે. દિલ્હીની એક કોર્ટમાં આ બન્ને સામે કેસ દાખલ કરાયો છે જેના આધારે બિન-જામીનપાત્ર વોરન્ટ જારી કરાયું છે. ટૂલકિટ કેસમાં બેંગ્લુરુની પર્યાવરણ કાર્યકર્તા દિશા રવિની ધરપકડ પહેલા જ થઈ ચુકી છે જેને કોર્ટે પોલીસ કસ્ટડીમાં મોકલી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ખાલિસ્તાની સંગઠન પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશનના સંસ્થાપક એમઓ ધાલીવાલએ નિકિતાને તેના સહયોગી પુનીત દ્વારા સંપર્ક કરાયો. તેનું કારણ પ્રજાસત્તાક દિવસ પહેલા ટ્વિટર પર તોફાન ઉભું કરવાનું હતું. પ્રજાસત્તાક દિવસ પહેલા નિકિતા, દિશા અને અન્ય લોકો ધાલીવાલ સાથે ઝૂમ મિટિંગ કરી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ચાર દિવસ પહેલા જ ૧૧ ફેબ્રુઆરીએ નિકિતા જેકબના ઘરે જઈને તેના ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સની તપાસ કરી હતી. દિલ્હી પોલીસે ત્યારે નિકિતાને કહ્યું હતું કે તે ફરી આવશે, પરંતુ ફરી જ્યારે પોલીસ પહોંચી તો તે ગાયબ હતી. પોલીસનું કહેવું છે કે નિકિતા ધરપકડથી બચાવ માટે છૂપાઈ રહી છે. તેણે આગોતરા જામીન માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે.

વિવાદ છેડાયા પછી નિકિતાએ પોતાનું ટ્વિટર અકાઉન્ટ ડિલિટ કરી દીધું હતું. દાવો કરવામાં આવી રહ્યો છે કે ત્યારે તેણે પોતાની ઓળખ બોમ્બે હાઈકોર્ટમાં વકીલ, પર્યાવરણવિદ અને આપ સાથે જોડાયેલી ગણાવી હતી. જોકે, નવી પ્રોફાઈલમાં તેણે આપની જાણકારી હટાવી દીધી છે. ટ્વિટર યુઝર વિજય પટેલનો દાવો છે કે નિકિતાએ ૩૦ જાન્યુઆરી, ૨૦૨૧એ સોલિડેરિટી વિથ ઈન્ડિયન ફાર્મર્સ નામે ડોક્યુમેન્ટ તૈયાર કર્યું હતું. દાવો છે કે તેણે ઈન્સ્ટાગ્રામ પર ન્ઝ ઈનિફ્યુઝ નામે એક અકાઉન્ટ બનાવી રાખ્યું છે જ્યાં તે પ્રોપગેન્ડા ફેલાવે છે.નિકિતાની ટ્વિટર પ્રોફાઈલ પર એક વેબસાઈટ લિંક શેર કરી છે. આ વેબસાઈટ પર તેણે પોતાનો પરિચય આપીને જણાવ્યું છે કે તે એક વકીલ છે. સાથે જ સામાજિક ન્યાય અને પર્યાવણ સંરક્ષણ મુદ્દે પોતાનો અવાજ ઉઠાવે છે. વેબસાઈટ મુજબ, નિકિતા સાચા પક્ષમાં ઉભા રહેવા માગે છે, પરંતુ અંતમાં તેણે ભૂલ કરી દીધી છે. નિકિતા પોતાના વિશે જણાવે છે કે તે લેખક, ગાયિકા અને વોઈસ ઓવર આર્ટિસ્ટ બનવા માગતી હતી. ફોટોગ્રાફી પણ કરી લે છે અને જમવાનું પણ બનાવી લે છે.

(7:10 pm IST)