Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

નવી પોલીસી સંદર્ભે ફેસબુક, વોટ્સએપને સુપ્રીમ કોર્ટની નોટિસ

લોકોની ગુપ્તતાનું રક્ષણ કોર્ટની ફરજ : તમે બે-ત્રણ ટ્રિલિયનની કંપની હોઇ શકો છો, પરંતુ લોકોમાં ડર છે કે તેમનો ડેટા બીજે વેચવામાં આવી રહ્યો છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, તા. ૧૫ :નવી પ્રાઇવસી પોલિસી સંદર્ભે સુપ્રીમ કોર્ટે ફેસબુક અને વોટ્સએપને નોટિસ પાઠવી છે. વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસીને પડકારતી અરજી પર સુનવણી હાથ ધરતાં સુપ્રીમ કોર્ટે સોમવારે સ્પષ્ટ કહી દીધું કે, લોકોની ગુપ્તતાનું રક્ષણ કરવું એ કોર્ટની ફરજ છે.

અરજદારના વકીલ શ્યામ દીવાને કોર્ટમાં કહ્યું કે, વોટ્સએપ યુરોપીયન યુઝર્સની સરખામણીમાં ભારતીય યુઝર્સ સાથે ભેદભાવ કરે છે. યુરોપ માટે અલગ માપદંડ રાખે છે અને ભારત માટે અલગ નિયમ છે. ભારતમાં ડેટા સંરક્ષણ અંગે નવો કાયદો લાગુ કરવામાં ના આવે ત્યાં સુધી વોટ્સએપે નવી પ્રાઇવસી પોલિસી ના લાવી જોઇએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લોકોની ગુપ્તતા ખૂબ જ મહત્વની છે. તમે બે-ત્રણ ટ્રિલિયનની કંપની હોઇ શકો છો, પરંતુ લોકોમાં ડર છે કે તેમનો ડેટા બીજે વેચવામાં આવી રહ્યો છે. લોકોની ગુપ્તતાની સુરક્ષા કરવી અમારી ફરજ છે. સુપ્રીમ કોર્ટે આ નવી પ્રાઇવસી પોલિસી વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીને લઇને વોટ્સએપ અને ફેસબુકને નોટિસ આપી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, ગુપ્તતાનો અધિકાર લોકોના મૂળ અધિકારોમાંથી છે અને આમાં સમાધાન ન કરી શકાય.

(7:10 pm IST)