Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ડીજીટલ નકશા માટે ભૌગોલિક ડેટાની પોલીસીમાં ફેરફાર કરતી કેન્‍દ્ર સરકાર

નવી દિલ્હી, તા. ૧૫: ડીજીટલ નકશાન માટે ભૌગોલિક પોલીસીમાં ફેરફાર કેન્‍દ્ર સરકારે કરેલ છે. સેક્રેટરીએ આ અંગે જાણકારી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ભારતને આત્મનિર્ભર બનવામાં આ ફેરફાર ખૂબ જ મહત્વ સાબિત થશે.

કેન્દ્ર સરકારે મેપિંગ પોલિસીમાં ફેરફાર કર્યા છે. તેનાથી સ્ટાર્ટઅપ, ખાનગી કંપનીઓ અને જાહેર સંસ્થાઓને ફાયદો થશે એવો દાવો સરકારે કર્યો હતો. સાયન્સ-ટેકનોલોજી વિભાગના કહેવા પ્રમાણે દુનિયાભરમાં જે બાબત સહજ-સરળ છે તેને ભારતમાં પણ સરળ બનાવવી જરૃરી છે. ભારત ડિજિટલ સેવાઓમાં આત્મનિર્ભર બને તે હેતુથી આ પરિવર્તન કરાયું છે.

સરકારના કહેવા પ્રમાણે કોઈ ખાસ સ્થળના ભૌગોલિક ડેટાથી દેશમાં કેટલાય પ્રોજેક્ટને પ્રોત્સાહન મળશે. ભૌગોલિક ડેટાને મેળવવામાં જે નિયંત્રણો હતા તેને હળવા કરાયા હોવાથી રીસર્ચના હેતુથી હવે અલગથી સિક્યુરિટી ક્લિયરન્સ મેળવવાની જરૃર પડશે નહીં.

પીએમ મોદીએ ટ્વિટરમાં કહ્યું હતું કે દેશના ખેડૂતોને ભૌગોલિક ડેટા અને રીમોટ સેસિંગ ડેટાનો લાભ મળશે. તેનાથી કૃષિક્ષેત્રે સરળતા આવશે. ભારતના વેપારમાં પણ આ પોલિસીથી મોટું પરિવર્તન આવશે. તેમણે ઉમેર્યું હતું કે આ પરિવર્તન ક્રાંતિકારી સાબિત થશે તેમ જ સરકારની ઉદારનીતિનો પરિચય આમાંથી મળે છે. ડિજિટલ ઈન્ડિયાને આ નિર્ણયથી મોટો ફાયદો થશે.

(12:23 am IST)