Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

કોરોનાના સામાન્ય દર્દીઓ પણ ખાનગી હોસ્પિટલનું જંગી પેકેજ લેવા મજબુર

ખાનગી હોસ્પિટલમાં સામાન્ય સારવારમાં પણ રૂ. એક થી દોઢ લાખના ખાડામાં ઉતરી જતા દર્દીઓ

નવી દિલ્હી,તા. ૧૫: કોરોનાના કેસ એક તરફ બેફામ રીતે વધી રહ્યા છે તો બીજી તરફી સરકારી હોસ્પિટલમાં બેડ ઓછા પડી રહ્યા છે. તેની વચ્ચે કોરોનાના એવા દર્દીઓ જે હોમ કોરેન્ટાઇન હોય, પરંતુ તબિયત થોડી પણ બગડે તો નાછૂટકે ખાનગી હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. તેમને હવે અનેક હોસ્પિટલો દ્વારા એક સપ્તાહથી દસ દિવસનું જંગી રકમનું સારવારનું પેકેજ ઓફર કરવામાં આવે છે. દર્દીને પણ અન્ય જગ્યાએ બેડ નહીં મળે તેવી મજબુરીથી જે માગે તે રકમ ચૂકવવા મજબૂર થવું પડે છે. આવા પેકેજમાં દર્દીને કોરેન્ટાઇન થવા સાથે જરૂર પડે તેમ સારવાર અને ના પડે તો પણ ચોક્કસ રકમ ચૂકવવી પડે તેવી શરત રાખીને ખુલ્લી લૂંટ ચલાવાતી હોવાની ફરિયાદ ઉઠી છે.

કોરોનાના ગંભીર દર્દીઓ સાથે હોમ કોરોન્ટાઇન સામાન્ય દર્દીઓની હાલત પણ કફોડી થતી જાય છે. શરૂઆતમાં હળવા લક્ષણ હોય, પરંતુ ઓકિસજન લેવલ થોડુ ઓછુ થાય, ખાંસી -ઉધરસ મટે નહીં કે તાવ ચાલુ રહે તો ગભરાટના માર્યા દર્દીને પરિવારજનો હોસ્પિટલમાં દાખલ કરાવવા તપાસ ચાલુ કરે છે. એસવીપીમાં ઓળખાણ વિના દર્દી દાખલ કરાતા નથી. તો સિવિલ હોસ્પિટલમાં બેડ ફુલ હોય છે. મોટી કોર્પોરેટ નહીં, પરંતુ નાના પાયે ચાલતી ખાનગી હોસ્પિટલમાં શરૂઆતમાં બેડ નહીં હોવાનો માહોલ ઉભો કરાય છે. તે પછી દર્દી માટે એક થી દોઢ લાખ રૂપિયા સુધીનું જંગી પેકેજ ઓફર કરવામાં આવે છે. જેમાં દર્દીને ઓકિસજન, ઇન્જેકશનથી લઇને જે સારવારની જરૂર પડે તે આપવામાં આવશે તેમ કહેવાય છે. જો જરૂર નહીં પડે તો પણ ચોક્કસ રકમ ચૂકવવી પડશે તેવી આગોતરી શરત મૂકાય છે. દર્દીના કુટુંબીજનો પણ તબિયત બગડે તો દોડધામ કયાં કરવી તેના બદલે પૈસા ચુકવવાનું પસંદ કરે છે. જો દર્દીની વધુ ગંભીર હાલત થશે તો તે પ્રમાણે વધુ ચાર્જ ચુકવવા પડશે તેવી સૂચના પણ આપવામાં આવે છે.

કોરોનાના કેટલાક દર્દી એવા હોય છે, જેમને એટલી ગંભીર તકલીફ ન હોય, પરંતુ હોસ્પિટલમાં હોય તો ગમે ત્યારે સારવાર મળી શકે તેવા હેતુથી પણ દાખલ થવા માગતા હોય છે. બીજી તરફ આવી ખાનગી હોસ્પિટલો દ્વારા ઉચ્ચ ભાવની ઓફર સ્વીકારાય તો જ દાખલ કરાતા દર્દી લાંબી સારવારની જરૂર ના હોય તો પણ સીધો એક લાખ રૂપિયાના ખર્ચના ખાડામાં ઉતરી જઇને દાખલ થવા મજબુર થાય છે અનેક દર્દીઓ જેઓ ઘરે કોરન્ટાઇન રહેવા માગતા નથી કે વધુ સારવારની જરૂર ના હોય તેવા દર્દીઓ પણ આ રીતે હોસ્પિટલોના પેકેજ સ્વીકારી સારવાર મેળવી રહ્યા છે.

(10:32 am IST)