Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

મહારાષ્ટ્રમાં મીની લોકડાઉનને કારણે અડધો અડધ ફેકટરીઓ ૧ પખવાડિયુ બંધ રહેશે

સપ્લાય ચેઇન વેરવિખેર થવાના એંધાણ : ધંધાને પણ થશે અસર

મુંબઇ તા. ૧૫ : મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણને ફેલાતુ રોકવા માટે રાજ્ય સરકારે નવા નિયમો અને કેટલાય પ્રતિબંધો મુકયા છે. તેનાથી રાજ્યમાં આગામી ૧૫ દિવસ સુધી લગભગ અર્ધા એકમોને તાળુ લાગી શકે છે. આ એકમોમાં ઘરેલુ ઉપકરણ અને તૈયાર કપડા બનાવતા એકમો પણ સામેલ છે, જે બિનજરૂરી શ્રેણીમાં આવે છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ મંગળવારે રાજ્યમાં ૧૫ દિવસ માટે કર્ફયુ લગાવવાની અને કેટલાય પ્રતિબંધોની જાહેરાત કરી હતી. આ આદેશ અનુસાર આવશ્યક વસ્તુઓ અને સેવાઓ સાથે સંકળાયેલા કારખાના - ઓફિસો સંપૂર્ણ ક્ષમતા સાથે ચાલતા રહેશે. નિકાસલક્ષી એકમો પણ ઓર્ડરો પુરા કરવા માટે ચાલુ રહેશે. સતત પ્રક્રિયાવાળા એકમો ૫૦ ટકા ક્ષમતા સાથે ચલાવી શકાશે પણ બાકીના બધા કારખાનાઓ ૧૫ દિવસ માટે બંધ રહેશે.

મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષ સુધીર મહેતાએ કહ્યું કે, ઉદ્યોગો પર નવા પ્રતિબંધોથી મહારાષ્ટ્રના લગભગ ૫૦ ટકા ઉત્પાદન એકમો બંધ થઇ શકે છે. ઉદ્યોગોને આ પ્રકારના પ્રતિબંધોથી અલગ રાખવા જોઇએ અને સુરક્ષા માપદંડોનું ધ્યાન રાખીને તેમને ચલાવવાની પરવાનગી આપવી જોઇતી હતી. છેલ્લા લોકડાઉનની અસર બહુ વ્યાપક થઇ હતી. જો આ વખતે ફરી એકવાર ઉદ્યોગોને અસર થશે તો કરસંગ્રહ અને રોજગારી પર ખરાબ અસર થશે.

(2:50 pm IST)