Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

કિલર કોરોના... આજે વધુ ૮૨ને ભરખી ગયો

રંગીલા રાજકોટમાં કાળમુખો કોરોના કહેર વર્તાવી રહ્યો છેઃ કેસ અને મૃત્યુઆંકમાં એકધારો વધારોઃ પ્રજાજનો ફફડી રહ્યા છે :કુલ કેસનો આંક ૨૪,૫૩૭એ પહોંચ્યોઃ અત્યાર સુધીમાં ૨૦,૪૬૭ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૮૩.૪૧ ટકા થયો : નવા ૩૧૮ કેસઃ સરકારની કોવિડ ઓડિટ કમિટીના રિપોર્ટ મુજબ ગઇકાલે ૫૫ પૈકી ૧૦ કોવીડ ડેથ થયા

રાજકોટ તા. ૧૫: શહેર - જિલ્લામાં કોરોના   જેટ ગતીએ વધતો જાય છે. કેસ અને મૃત્યુનો આંકમાં સતત વધતા લોકોમાં ભારે ફફડાટ ફેલાય રહ્યો છે.કોરોના કાળ બિહામણુ અટ્ટહાસ્ય કરી રહ્યો હોય તેમ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન  ૮૨ નાં મૃત્યુ થયા છે. જયારે બપોર સુધીમાં ૩૧૮ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૧૪નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૧૫નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૮૨ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

 ગઇકાલે ૫૫ પૈકી ૧૦મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૧૨૯ બેડ ખાલી છે.

નોંધનીય છે કે છેલ્લા અઠવાડિયાથી રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણનો આંકડો ૫૦૦ને પાર કરી ગયો છે ત્યારે શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે.જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં ૮૨ દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

બપોર સુધીમાં કોરોનાએ ત્રેવડી સદી ફટકારી

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૩૧૮ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૨૪,૫૩૭ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૨૦,૪૬૭ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૧૪,૩૬૦  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૫૫૧ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૮૦ ટકા થયો  હતો.

આજ દિન સુધીમાં ૮,૦૯,૮૮૫ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૪,૫૩૭ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૯૯ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ અંદાજીત ૪૦૦૦  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:27 pm IST)