Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

દિલ્હીમાં વીકેન્ડ કર્ફયુનું એલાનઃ શુક્રવારે રાત્રે ૧૦થી સોમવાર સવારે ૬ સુધી બધુ જ બંધ

જીમ - હોટલ - સ્પા - મોલ - બજાર ઓડિટોરીયમ બંધ : જરૂરી સેવાઓ ચાલુ

નવી દિલ્હી તા. ૧૫ : દિલ્હીમાં સતત વધતાં કોરોના વાયરસના કેસના કારણે અરવિંદ કેજરીવાલ સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં હવે વિકેન્ડ કફર્યૂ લગાવવામાં આવ્યો છે જેમ આ શુક્રવારે રાતના ૧૦ વાગ્યાથી સોમવારે સવારના ૬ વાગ્યા સુધી કફર્યૂ લાગશે.

સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આ કફર્યૂમાં જરૂરી સેવાઓ ચાલુ રાખવામાં આવશે જયારે જિમ, મોલ, ઓડિટોરિયમ, થિયેટર બંધ કરાવવામાં આવશે. આ સિવાય જે ઘરમાં લગ્ન હશે તેમને કફર્યૂ પાસ આપવામાં આવશે. પ્રતિબંધો સાથે ગુજરી બજાર ચાલુ રાખવામાં આવશે. સિનેમા હોલને છૂટ આપવામાં આવી છે પરંતુ ૩૦ ટકા કેપેસિટી સાથે જ સિનેમા ચાલુ રાખવામાં આવશે.

કેજરીવાલે દાવો કર્યો છે કે દિલ્હીમાં હોસ્પિટલની અછત નથી, હા અમુક હોસ્પિટલમાં બેડ ફૂલ થઈ ગયા છે પરંતુ કેટલાક લોકો તે જ હોસ્પિટલમાં જવા માંગે છે જેના કારણે આ તકલીફ પડી રહી છે. અત્યારે દિલ્હીમાં પાંચ હજાર બેડ ખાલી પડ્યા છે અને અમે તેની ક્ષમતાને વધારવા જઈ રહ્યા છે. અમારી પ્રાથમિકતા છે કે જે બીમાર છે તેનો જીવ બચાવવામાં આવે. ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે અને દરરોજ કોરોના વાયરસના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ભારતમાં આજે પહેલીવાર બે લાખથી વધારે કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે જયારે સરકારી આંકડાઓ અનુસાર એક હજારથી વધારે દર્દીઓના મોત થયા છે. એવામાં દેશના જુદા જુદા રાજયોમાં વિવિધ પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે.

(3:28 pm IST)