Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

ઇસરોના પૂર્વ વિજ્ઞાની નાંબી નારાયણનને જાસુસીના કેસમાં ફસાવવાનો મામલો સીબીઆઇને સોîપાયોઃ ૩ સભ્યોની પેનલ તપાસ કરશે

નવી દિલ્હીઃ ઇસરોના પૂર્વ વિજ્ઞાની નાંબી નારાયણનને જાસૂસીના કેસમાં ફસાવવાનો મામલો હવે સીબીઆઇને સોંપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રની અરજી અને ત્રણ સભ્યોની પેનલના રિપોર્ટ પર વિચાર કર્યા બાદ કેન્દ્રીય તપાસ બ્યુરોને તપાસ સોંપી.

આ મામલો 1994નો છે. જેમાં નાંબી સહિત કેટલાક લોકો પર જાસૂસીનો આરોપ હતો. પરંતુ પાછળથી તેમને દોષમુક્ત કરાયા હતા. આ મામલો રાષ્ટ્રીય મુદ્દો ગણાવી કેન્દ્રે 5 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી પેનલના રિપોર્ટ પર તત્કાલ સુનાવણીની વિનંતી કરી હતી.

પોલીસની ભૂમિકા તપાસવા ત્રણ સભ્યોની સમિતિ

વિજ્ઞાની નાંબીને જાસૂસી કેસમાં ફસાવવાની ભૂલ કરનારા પોલીસ અધિકારીઓની ભૂમિકા તપાસવા નિવૃત્ત જસ્ટિસ ડીકે જૈનના વડપણ હેઠળ ત્રણ સભ્યોની એક પેનલ રચાઇ હતી. જસ્ટિસ એએમ ખાનવિલ્કરના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે આજે નિવૃત્ત જસ્ટિસ ડીકે જૈનની પેનલનો રિપોર્ટ રેકોર્ડમાં લીધો હતો. તેના પર વિચાર કર્યા બાદ સીબીઆઇના ડાયરેકટર કે કારોબારી ડાયરેક્ટરને આદેશ આપ્યો.

વિજ્ઞાની નાંબીને 50 લાખનું વળતર

સુપ્રીમ કોર્ટે આદેશમાં જણાવ્યું કે જૈન સમિતિના રિપોર્ટને પ્રારંભિક તપાસ તરીકે જુવામાં આવે અને આ મામલાની તપાસ આગળ ધપાવે. નોંધનીય છે કે 1994ના જાસૂસી કેસમાં વિજ્ઞાની નાંબી નારાયણન માત્ર દોષમુક્ત જ નહતા થયા. પરંતુ સુપ્રીમ કોર્ટે કેરળ સરકારને વળતર રુપે 50 લાખ રુપિયા નાંબીને આપવાનો આદેશ પણ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટ 14 સપ્ટેમ્બર 2018ના રોજ જૈન સમિતિની રચના કરતા કેરળ સરકારને 50 લાખ રુપિયાનુ વળતર નાંબીને ચુકવવા આદેશ કર્યો હતો. કારણ કે નાંબીને બહુ અપમાનનો સામનો કરવો પડ્યો હતો. સમિતિની રચના કરવાની સાથે સુપ્રીમ કોર્ટે આ કેસમાં ભૂલ કરનારા અધિકારીઓ સામે પગલાં લેવાનો હુકમ પણ કર્યો હતો.

અંતરિક્ષ કાર્યક્રમ અંગેના ગુપ્ત દસ્તાવેજનો મામલો

1994માં અખબારોમાં મુખ્ય સમાચાર તરીકે ઇસરોના વિજ્ઞાની નાંબી બહુ ચમક્યા હતા. આરોપ હતો કે ઇસરોના બે વિજ્ઞાની અને માલદીવની બે મહિલા સહિત 8 લોકોએ ભારતના અંતરિક્ષ કાર્યક્રમ સંબંધિત કેટલા ગુપ્ત દસ્તાવેજ અન્ય દેશોને વેચી દીધા. આ મામલે વિજ્ઞાની નાંબી મારાયણનની ધરપકડ પણ થઇ હતી. બે મહિના જેલમાં બંધ રહ્યા બાદ નાંબીને જામીન મળ્યા હતા અને તપાસ બાદ તેમને દોષમુક્ત જાહેર કરાયા હતા. ત્યારે કેરળમાં કોંગ્રેસની સરકાર હતી.

સીબીઆઇએ તપાસમાં કહ્યું હતું કે 1994માં કેરળ પોલીસના ટોચના અધિકારીઓ નાંબીની ગેરકાયદેસર ધરપકડ માટે જવાબદાર હતા.કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા બાદ આ મામલો ફરી ચગ્યો હતો અને તપાસ માટે પેનલ રચાઇ હતી. જેણે સીલબંધ કવરમાં પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપ્યો.

ઘટનાક્રમઃ નાંબી બે મહિના જેટલા જેલમાં રહ્યા

-નવેમ્બર 1994માં નાંબીની ધરપકડ બાદ ડિસેમ્બરમાં CBIને તપાસ સોંપાઇ

-પોલીસ અને સીબીઆઇ પણ તપાસમાં કોઇ પુરાવા એકત્રિત કરી શકી નહીં

-50 દિવસ જેલમાં રહ્યા બાદ નાંબીને જાન્યુઆરી 1995માં જામી મળ્યા.

-એપ્રિલ 1996માં CBIએ કેસ બનાવટી હોવાનું માની બંધ કરવાનો અનુરોધ કર્યો

-મે 1996માં મેજિસ્ટ્રેટ કોર્ટે કેસ રદ કરી તમામને છોડી મૂક્યા

1996માં તત્કાલીન ડાબેરી સરકારે ફરી તપાસ શરુ કરવાની માગ કરી

-1998માં સુપ્રીમ કોર્ટે કેસ રદ કરી તમામને દોષમુક્ત જાહેર કર્યા.

(5:35 pm IST)