Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં પ્રચાર ની સાથે સાથે કોરોના વાયરસના કેસ તેજીથી વધી રહ્યા છે : રાજ્યમાં હવે મોટી જનમેદની વાળી રેલીઓ રદ થઇ રહી છે

કલકતા : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી થઈ રહી છે જેમાં ચાર ચરણ માટે મતદાન સંપન્ન થઈ ગયું છે જ્યારે ચાર ચરણ માટે મતદાન બાકી છે ત્યારે દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. આ બીજી લહેરમાં કેસની સંખ્યામાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે એવામાં ચૂંટણી અને કોરોના મુદ્દે દેશભરમાંથી અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે કે એક બાજુ દેશમાં સ્મશાનોની બહાર મૃતદેહોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે અને બીજી બાજુ પોલિટિકલ પાર્ટીએ લાખોની સંખ્યામાં ભીડ ભેગી કરવામાં આવી રહી છે જે બાદ લેફ્ટ પાર્ટી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી છતાં લેફ્ટ પાર્ટીઓ દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે રાજ્યમાં બધી જ મોટી રેલીઓને રદ્દ કરવામાં આવી રહી છે. પાર્ટીએ કહ્યું છે કે હવે કોઈ મોટી રેલીનું આયોજન કરવામાં આવશે નહીં અને જે રેલીનું આયોજન કરી દેવામાં આવ્યું છે તેને રદ્દ કરવામાં આવશે. પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમના નેતા ડૉર તો ડૉર કેમ્પેન કરશે અને સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકો સાથે જોડાશે. આ સિવાય નાના-નાના જુથમાં સભાઑ કરવામાં આવશે

બીજી તારફ ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ દ્વારા હજુ પણ મોટી સંખ્યામાં રેલીઓ કરવામાં આવી રહી છે અને ભીડ ભેગી કરવામાં આવી રહી છે. આ સિવાય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ હવે બંગાળ ચૂંટણીમાં ઝંપલાવ્યું અને તેમની સભામાં પણ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે તેઓએ કોરોના વાયરસની પરિસ્થિતિને સાચવી લીધી હતી પરંતુ ભાજપ દ્વારા બહારના લોકોને લઈ જવામાં આવ્યા જેના કારણે કોરોના ફેલાઈ રહ્યો છે. મમતા બેનર્જીનો આરોપ છે કે રાજ્યમાં ભાજપ દ્વારા બહારના લોકો લાવવામાં આવી રહ્યા છે જેના કારણે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. આ સિવાય તેમણે આરોપ લગાવ્યો કે રાજ્યના મોટા ભાગના લોકોને કોરોના વાયરસની રસી આપવા માટે રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું પરંતુ મોદી સરકાર દ્વારા તે કામ કરવામાં આવ્યું નથી.

નોંધનીય છે કે હાલમા જ કોલકાતા હાઇકોર્ટે પણ કોરોના વાયરસની બગડતી પરિસ્થિતિ વચ્ચે ચૂંટણી મુદ્દે ઝાટકણી કાઢી હતી જે બાદ ચૂંટણી પંચ દ્વારા બધી જ પાર્ટીઓ સાથે બેઠક કરવામાં આવી હતી જેમાં કોરોના વાયરસની ગાઈડલાઇન મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

(5:57 pm IST)