Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

હરિયાણામાં ૨૫ દિવસમાં ૩૪૪૫ બાળકોને ચેપ લાગ્યો

કોરોનાનું ડરામણું સ્વરુપ : સ્કૂલો શરૂ થતા, બાળકો બહાર રમતા થયા હોવાથી તેમના પર જોખમ વધ્યું છે : નિષ્ણાંતો દ્વારા દાવો કરવામાં આવ્યો

ગુરૂગ્રામ,તા.૧૫ : કોરોનાની બીજી લહેર વધારે ડરામણી જોવા મળી રહી છે. બીજી લહેરમાં ભારતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. જેમાં હવે બાળકો પણ તેનો શિકાર બની રહ્યા છે. અગાઉ કોરોનામાં ઉંમરલાયક લોકો, વૃદ્ધો અને જેઓને અગાઉથી કોઈ રોગ હોય તેવા લોકોને કોરોનાનો ચેપ લગાતો હતો પરંતુ આ વખતે બાળકો પણ કોરોનાના ભરડામાં આવી રહ્યા છે. હરિયાણામાં ૧૫ માર્ચથી ૧૧ એપ્રિલ દરમિયાન ૪૧,૩૨૪ લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાંથી ૧૦ વર્ષથી નીચેની વય ધરાવતા બાળકોની સંખ્યા ૩,૪૪૫ હતી.

આમ હરિયાણામાં આ સમય દરમિયાન નોંધાયેલા કોવિડ-૧૯ કેસમાંથી ૮ ટકા કેસ બાળકોને ચેપ લાગ્યાના છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના ડેટા પ્રમાણે ગત કોરોના લહેરમાં ૫ નવેમ્બરથી ૧૨ ડિસેમ્બર દરમિયાન બાળકોને ચેપ લાગ્યો હોવાના કેસની સંખ્યા ૧ ટકા કરતા પણ ઓછી હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે હવે બાળકો સામે જોખમ વધી ગયું છે. તેઓ બહાર રમતા થયા છે, વિવિધ કાર્યક્રમો તથા સામાજિક મેળાવડામાં જતા થયાં છે જેના કારણે તેમને કોવિડ-૧૯નો ચેપ લાગવાનું જોખમ વધી ગયું છે. આ ઉપરાંત બાળકો સ્કૂલે પણ જવા લાગ્યા હતા. ગત વર્ષે આવું ન હતું જેના કારણે બાળકોને ચેપ લાગવાનું પ્રમાણ ઓછું હતું. ૧૫ માર્ચથી ૧૧ એપ્રિલ દરમિયાન હરિયાણામાં ૩૧થી ૪૦ વર્ષની વય ધરાવતા લોકોમાં પણ ચેપનું પ્રમાણ વધ્યું છે અને આ વયજૂથના ૭,૮૯૩ કેસ નોંધાયા છે.

જેમાંથી મોટા ભાગના લોકો ઓફિસના કામ માટે બહાર જતા હતા. જ્યારે આ જ સમયગાળામાં ૪૧થી ૫૦ વર્ષની વય જૂથના લોકોને ચેપ લાગ્યો હોવાના ૨,૬૮૪ કેસ નોંધાયા છે. ગુડગાંવમાં પણ બાળકોમાં કેસની સંખ્યા વધી રહી છે. ગુડગાંવમાં ૧૮ માર્ચથી કેસ વધવાની શરૂઆત થઈ હતી અને ૦-૧૦ વર્ષની વયજૂથના ૪૯૭ બાળકોને કોવિડ-૧૯નો ચેપ લાગ્યો છે. ગુડગાંવમાં ૧૫ માર્ચથી ૧૧ એપ્રિલ દરમિયાન કોરોનાના ૯,૯૪૦ કેસ નોંધાયા હતા. ડેટા પ્રમાણે ૧૦ બાળકો કે જેને કોરોનાનો ચેપ લાગ્યો છે તેઓ સ્કૂલમાં ગયા હતા અને તેઓ ચેપગ્રસ્ત થયા હતા. ગુડગાંવના ચીફ મેડિકલ ઓફિસર ડોક્ટર વિરેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, બાળકો અને યુવાનો બહાર નીકળે છે જેના કારણે તેમનામાં ચેપનું પ્રમાણ વધી રહ્યું છે. અગાઉ આપણે વયસ્ક લોકો પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું જેમને જોખમ વધારે હતું. હવે આપણે ધ્યાન અન્યત્ર કેન્દ્રીત કર્યું છે. જોકે, મોટા ભાગના બાળકોમાં કોરોનાના હળવા અથવા અત્યંત હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે.

જે બાળકો સ્કૂલમાં ઓછા ગયા છે તેઓ માતા-પિતા સાથે બજારમાં ગયા હોવાથી કે પછી પ્રવાસ કર્યો હોવાથી તેમને કોરોનાનો ચેપ લાગ્યો છે. નારાયણ હોસ્પિટલના એચઓડી અને ડાયરેક્ટર ડોક્ટર સતિષ કૌલે જણાવ્યું હતું કે, ઘણા લાંબા સમયથી બાળકો પોતાના ઘરમાં જ હતા. હવે સ્કૂલો ખુલી હતી જે જરૂરી હતું. પરંતુ હજી ખતરો ટળ્યો નથી. જો બાળકો સ્કૂલમાં ચેપગ્રસ્ત થાય છે તો તેઓ ઘરે પણ તેનો ચેપ ફેલાવે છે. આ વય જૂથના બાળકો ઉત્સવો ઉજવવા તથા મિત્રો સાથે હરવા-ફરવા માટે વધારે ઉત્સાહિત હોય છે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે યુવાન લોકોના લક્ષણો વધારે ગંભીર હોય છે. બાળકોમાં સામાન્ય લક્ષણો જોવા મળે છે જેમાં તાવ (જે મોટા ભાગે હળવો હોય છે) આવે છે, ગળામાં સોજો આવે છે. ઘણા બાળકોમાં પેટમાં દુખાવો થતો હોય છે. આ ઉપરાંત ઝાડા, ઉલટી અને પેટમાં દુખાવો પણ થાય છે.

(7:47 pm IST)
  • પટણા એઈમ્સ હોસ્પિટલમાં આઈ.એ.એસ.અધિકારીને પ્રવેશ મળી શકે છે તો નિવૃત ફૉજીને કેમ નહીં ? : પટણામાં કોરોનાથી પીડિત નિવૃત્ત સૈન્ય અધિકારીનું એમ્બ્યુલન્સમાં મોત : નેશનલ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી આવી રહ્યા છે તેવું બહાનું કાઢ્યું : પટણા એઇમ્સે ભરતી કરવાનો ઇનકાર કર્યો : નિવૃત ફૌજીના મોતે આરોગ્ય તંત્ર સામે સવાલો ઉભા કરી દીધા access_time 8:59 pm IST

  • પોલીસ ઈન્સપેકટરની શારીરિક કસોટી મુલતવી રહી : એપ્રિલની તમામ પરીક્ષાઓ મુલતવી : મે ની પરીક્ષા માટે હવે પછી નિર્ણય લેવાશે. : જીપીએસસી દ્વારા ૨૨ થી ૨૬ એપ્રિલ દરમિયાન યોજાનાર પોલીસ ઈન્સપેકટરની શારીરિક કસોટી મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એિ-લ મહિનાની તમામ પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો. જ્યારે ૨ મે થી શરૂ થતી પરીક્ષાઓ બાબતે પરિસ્થિતિની સમીક્ષા કરી બાદ નિર્ણય લેવાશે. access_time 5:50 pm IST

  • ઈલેક્શનવાળા રાજ્ય બંગાળમાં 420%, આસામમાં 532% અને તમિલનાડુમાં 169% કોરોનાના કેસ વધ્યા; મોતના આંકડામાં 45%નો વધારો. access_time 3:45 pm IST