Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

સેન્સેક્સ ૨૬૦ પોઇન્ટ અને નિફ્ટી ૭૭ પોઈન્ટ અપ

વૈશ્વિક સ્તરે સકારાત્મક વલણની વચ્ચે બજારમાં તેજી : શેરોમાં ટીસીએસમાં સૌથી મોટો ચાર ટકાનો ઉછાળો

મુંબઇ, તા. ૧૫ : બીએસઈ સેન્સેક્સ અસ્થિર કારોબારમાં ૨૬૦ પોઇન્ટના વધારા સાથે બંધ રહ્યો. વૈશ્વિક સ્તરે સકારાત્મક વલણ વચ્ચે એચડીએફસી બેક્ન, એચડીએફસી લિમિટેડ, ટીસીએસ અને આઈસીઆઈસીઆઈ બેંકના શેરોએ તેજીની આગેવાની કરવામાં આવી હતી.

૩૦ શેરો પર આધારિત સેન્સેક્સ ટ્રેડિંગ દરમિયાન ૮૭૭ પોઇન્ટની અસ્થિરતા હતી. અંતે, તે ૨૫૯.૬૨ પોઇન્ટ અથવા ૦.૫૩ ટકાના વધારા સાથે ૪૮,૮૦૩.૬૮ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી  ૭૬.૬૫ પોઇન્ટ એટલે કે ૩.૩૩ ટકા વધીને ૧૪૫૮૧.૪૫ પોઇન્ટ પર બંધ રહ્યો હતો.

સેન્સેક્સ શેરોમાં ટીસીએસમાં સૌથી મોટો ઉછાળો રહ્યો હતો. તે લગભગ ૪ ટકા વધ્યો. આ સિવાય ઓએનજીસી, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, ડો. રેડ્ડીઝ, એચડીએફસી અને એચસીએલ ટેકમાં પણ વેગ મળ્યો છે. બીજી તરફ, શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો જેમાં ઈન્ફોસીસ, મારુતિ, ઇન્ડસઇન્ડ બેક્ન, નેસ્લે ઇન્ડિયા અને બજાજ ફાઇનાન્સનો સમાવેશ છે. રિલાયન્સ સિક્યોરિટીઝના વ્યૂહાત્મક વડા વિનોદ મોદીએ કહ્યું કે, સ્થાનિક શેરબજારોમાં અસ્થિરતા વચ્ચે મજબૂતી જોવા મળી. શેરના બજારો દિવસના સૌથી નીચા સ્તરેથી નીચે  ગયા બાદ ફાયદા સાથે બંધ થયા. નાણાકીય અને ફાર્માસ્યુટિકલ કંપનીઓના શેરોમાં તેજીનું કારણ છે.  તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં વ્યાપક પાયે પ્રતિબંધોએ સૌથી વધુ ઓટોમોબાઈલ કંપનીઓના શેરને અસર કરી. દેશના કુલ વાહનોના ઉત્પાદનમાં મહારાષ્ટ્રનું યોગદાન ૨૦ ટકાથી વધુ છે. મોદીના જણાવ્યા અનુસાર, સતત વૃદ્ધિની સંભાવનાને કારણે આઇટી કંપનીઓના શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી છે.

એશિયાના અન્ય બજારોમાં શાંઘાઇ અને હોંગકોંગમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે સિઓલ અને ટોક્યો નફાકારક હતા. યુરોપમાં, મુખ્ય બજારોમાં પ્રારંભિક વેપારમાં તેજી જોવા મળી. દરમિયાન, આંતરરાષ્ટ્રીય ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ૦.૬૩ ટકા ઘટીને ૬૬.૩૪ ડોલર પ્રતિ બેરલ રહ્યો હતો.

(9:08 pm IST)