Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

કોરોનાગ્રસ્ત પતિની સંપત્તી નામે કરવાના મામલે બબાલ

રાજસ્થાનના ભરતપુરની સરકારી હોસ્પિટલનો બનાવ : પતિ-પત્નીના પરિવારજનો વચ્ચે હોસ્પિટલમાં મારામારી

ભરતપુર, તા. ૧૪ : ભરતપુર જિલ્લામાં સરકારી આરબીએમ હોસ્પિટલમાં આવેલા કોવિડ-૧૯ વોર્ડમાં દાખલ દર્દીના પરિવારજનો અને સંબંધીઓ વચ્ચે ફિલ્મી સીનની જેમ જબરજસ્ત મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા તંત્ર દોડતું થયું હતું. જોકે આ મામલે હજુ સુધી કોઈ પક્ષ તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. જ્યારે આ વીડિયો ૩ દિવસ જૂનો હોવાનું કહેવામાં આવે છે.

જાણકારી મુજબ ધાનોતા ગામના નિવાસી રુપકિશોરની કિડની ખરાબ થઈ ગઈ હતી. આ દરમિયા તેને કોરોના સંક્રમણ હોવાનું પણ સામે આવ્યું હતું. જેથી તેને જિલ્લા સરકારી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરિવારજનો તેની પત્નીને કહેતા હતા કે તે પોતાની એક કિડની પતિને આપે જેથી તેનો જીવ બચાવી શકાય. પરંતુ પત્નીએ ચોખ્ખી ના પાડી દીધી હતી. જોકે પત્નીનું કહેવું હતું કે પોતે કિડની ત્યારે જ દેસે જ્યારે રુપકિશોર પોતાની તમામ સંપત્તિ તેના નામે કરશે. આ વાતને લઈને પાછલા અનેક દિવસોથી પત્ની અને પરિવારના અન્ય સભ્યો વચ્ચે પણ ઝગડો શરું હતું. તેવામાં ગત સોમવારે પત્નીના પિયરના લોકો કોવિડ ૧૯ વોર્ડમાં ધસી આવ્યા અને રુપકિશોરના પરિવારજનો સાથે ઉગ્ર બોલાચાલ કરવા લાગ્યા. બંને પક્ષે જોતજોતામાં મારામારી અને ઢીકાપાટુ વરસવા લાગ્યાં. ત્યાં સુધી કે વોર્ડમાં રાખવામાં આવેલા ટેબલ ફેન એકબીજા પર ઉપાડીને માર્યા. તેવામાં કોરોના વોર્ડમાં થયેલી આ લડાઈનો વીડિયો કોઈએ ઉતારીને સોશિયલ મીડિયા પર મુકતા વાયરલ થઈ ગયો.

જિલ્લા હોસ્પિટલના પીએમઓ ડો. જિજ્ઞાસા સાહનીએ કહ્યું કે વોર્ડના અંદર દર્દીના સગા સંબંધીઓ ઘુસી ગયા હતા. બને પક્ષો વચ્ચે ઘમાસાણ ઝગડો થયો હતો. જેમાં સ્ટાફને પણ માર મારવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે વોર્ડની બહાર તહેનાત સુરક્ષાકર્મીઓનો પણ આમાં વાક છે તેમણે પરિવારજનોને કોરોના વોર્ડમાં કઈ રીતે જવા દીધા.

(12:00 am IST)