Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

બિન લાદેનના ભાઈ બકરને સાઉદીએ અચાનક છોડી મૂક્યો

સાઉદી અરેબિયાનું આશ્ચર્યજનક પગલું : બકર બિન લાદેનની ભ્રષ્ટાચારના આરોપો બાદ ધરપકડ થઈ હતી, ૩ વર્ષ કરતા વધુ સમય સુધી કસ્ટડીમાં રખાયો

નવી દિલ્હી, તા. ૧૪ : ઓસામા બિન લાદેનના ભાઈ બકર બિન લાદેનને સાઉદી અરેબિયાએ અચાનક જ મુક્ત કરી દીધો છે. આશરે ૩ વર્ષ કરતા પણ વધારે સમય સુધી કસ્ટડીમાં રાખ્યા બાદ બકર બિન લાદેનને મુક્ત કરી દેવામાં આવ્યો છે. બકર બિન લાદેનની ભ્રષ્ટાચારના આરોપો બાદ ધરપકડ કરવામાં આવી હતી.

જાણવા મળ્યા મુજબ બકર બિન લાદેનને મુક્ત કરી દેવામાં આવ્યો છે અને ઘરે રહેવા કહેવામાંઆવ્યું છે. જો કે, લોકો તેને મળવા ઘરે આવી શકે છે. બિઝનેસ ટાઈકૂન બકર બિન લાદેનને થોડા સમય માટે મુક્ત કરવામાં આવ્યો છે કે, કાયમ માટે તે જાહેર નથી કરાયું.

હકીકતે બકર બિન લાદેન સાઉદી અરેબિયાની સૌથી મોટી કન્સ્ટ્રક્શન કંપની 'બિન લાદેન ગ્રુપ'નો પૂર્વ ચેરમેન છે. તેઓ સાઉદીના પ્રસિદ્ધ અને ધનવાન કોન્ટ્રાક્ટર રહી ચુક્યા છે પરંતુ ધરપકડ બાદ તેમના મોટા બિઝનેસ એમ્પાયરનો અંત આવ્યો હતો.

જાણવા મળ્યા મુજબ બકર બિન લાદેન ગત સપ્તાહે જેદ્દા ખાતે પોતાના પરિવારને મળ્યા હતા. જો કે, બકરને ક્યાં રાખવામાં આવેલો તેની કોઈ માહિતી નથી.

(12:00 am IST)