Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

મૃતદેહની ગરિમા જળવાય રહે તે માટે વિશેષ કાયદો બનાવો :કેન્દ્ર અને રાજ્યો સમક્ષ રાષ્ટ્રીય માનવાધિકાર પંચની માંગણી

મૃતદેહોને નદીઓમાં ફેંકી દેવાયા છે અને ઘણા મૃતદેહોને રેતીમાં દાટવાની ઘટનાથી માનવાધિકાર પંચ હરકતમાં આવ્યું :કહ્યું- મૃતકોના માન-સન્માનના હકનું ઉલ્લંઘન: NHRCએ ગૃહ મંત્રાલય, આરોગ્ય મંત્રાલય, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિસ્તૃત એડવાઇઝરી આપી

નવી દિલ્હી :દેશમાં કોરોના વાયરસના ઘણા કેસો વચ્ચે એવી પણ ઘટનાઓ સામે આવી છે કે મૃતદેહોને નદીઓમાં ફેંકી દેવાયા છે અને ઘણા મૃતદેહોને રેતીમાં દાટવામાં આવ્યાં છે. આ અહેવાલો પર, હવે રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (NHRC) હરકતમાં આવ્યું છે. NHRC એ કેન્દ્ર સરકાર અને રાજ્યો સરકારોને મૃતદેહની ગરિમા જળવાય રહે તે માટે વિશેષ કાયદો ઘડવા કહ્યું છે. આ સાથે જ પરિવહન દરમિયાન, સામૂહિક દફનવિધિ કે સ્મશાનમાં મૃતદેહોનો ભરાવો ન થવો જોઈએ. કારણ કે તે મૃતકોના માન-સન્માનના હકનું ઉલ્લંઘન છે.

આ સમગ્ર મામલે NHRCએ ગૃહ મંત્રાલય, આરોગ્ય મંત્રાલય, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિસ્તૃત એડવાઇઝરી આપી છે.

આ એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારતના બંધારણનો આર્ટિકલ-11 ફક્ત જીવંત લોકો માટે જ નહીં પરંતુ મૃતકોને પણ લાગુ પડે છે તે જોતાં પંચે કહ્યું કે, 'સરકારની ફરજ છે કે તેઓ મૃતકોના હક્કોનું રક્ષણ કરે અને મૃતદેહો પર અત્યાચારો અટકાવે.'

ભારતમાં મૃતકોના હક્કોના રક્ષણ માટે કોઈ વિશેષ કાયદો નથી, NHRCએ ધ્યાન દોર્યું છે કે ઘણા આંતરરાષ્ટ્રીય કરારો, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિર્ણયો તેમજ વિવિધ સરકારો દ્વારા સમયાંતરે જાહેર કરવામાં આવતી માર્ગદર્શિકામાં પ્રોટોકોલ જાળવવા પર ભાર મૂકવામાં આવે છે.

(12:07 am IST)