Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

સ્પેનના પ્રખ્યાત ચિત્રકાર પાબ્લો પિકાસોનું ' મેરી થ્રી ' પેઇન્ટિંગ માત્ર 19 મિનિટમાં જ 700 કરોડમાં વેચાયું

ફરી એકવાર પિકાસોની પેઇન્ટિંગે હરાજીમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હી ; સ્પેનના પ્રખ્યાત ચિત્રકાર પાબ્લો પિકાસોનું નામ પેઇન્ટિંગની દુનિયામાં ખૂબ આદર સાથે લેવામાં આવે છે. તેમની પેઇન્ટિંગ કરોડોની કિંમતે હરાજીમાં વેચાય છે. ફરી એકવાર પિકાસોની પેઇન્ટિંગે હરાજીમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેમની પેઇન્ટિંગ 700 કરોડ રૂપિયાથી વધુના ભાવે વેચાઇ છે. 'મેરી થ્રી' નામની પિકાસોની પ્રખ્યાત પેઇન્ટિંગ માટે અમેરિકાનાં ન્યુ યોર્ક શહેરમાં નિલામી યોજાઇ હતી.

આ પેઇન્ટિંગ 1932માં પિકાસો દ્વારા બનાવવામાં આવી હતી. લગભગ 90 વર્ષ પછી, જ્યારે આ પેઇન્ટિંગ પ્રેક્ષકોની સામે મૂકવામાં આવી, ત્યારે તેણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. ખરેખર પેઇન્ટિંગની હરાજી 90 મિલિયન ડોલરમાં થઈ, પરંતુ ટેક્સ અને અન્ય ચાર્જ ઉમેરતા તેની કુલ કિંમત 103.4 મિલિયન ડોલર એટલે કે 700 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ આ પેઇન્ટિંગની બોલી લગાવવામાં કોઈ વિલંબ ન થયો,અને લોકોએ તેની કિંમત ઝડપથી નક્કી કરી દીધી.

માત્ર 19 મિનિટમાં, પિકાસોની પેઇન્ટિંગ 103.4 મિલિયન ડોલરમાં વેચાઇ. દુનિયાભરમાં પ્રખ્યાત, પિકાસોનો જન્મ 1881 માં સ્પેનમાં થયો હતો. 1973 માં તેમનું અવસાન થયું. જ્યારે મોટાભાગના સેક્ટરમાં કોરોના રોગચાળાને કારણે મંદીનો માહોલ છે અને બજાર બંધ થઈ રહ્યા છે, ત્યારે 700 કરોડમાં પિકાસોની પેઇન્ટિંગ્સનું વેચાણ સાબિત કરે છે કે તે કલાક્ષેત્રમાં કેટલું મોટું નામ છે.

આ પેઇન્ટિંગની થીમમાં તેમાં એક છોકરી તેની બારીની બાજુમાં બેઠેલી જોવા મળે છે. આઠ વર્ષ પહેલાં, આ જ પેઇન્ટિંગ લંડનમાં 44.8 મિલિયન ડોલરમાં નિલામ થઇ હતી. હવે તેની હરાજી ડબલ કરતા વધુ કિંમતે થઇ છે. અત્યાર સુધી, પિકાસોની પાંચ પેઇન્ટિંગ્સ 100 મિલિયનથી વધુ કિંમત પર વેચાઇ છે. નિલામીની બાબતે સમગ્ર વિશ્વમાં પિકાસોની પેઇન્ટિંગ્સ ટોચ પર છે.

છેલ્લાં બે વર્ષમાં આ બીજી વખત છે જ્યારે પિકાસોની પેઇન્ટિંગ્સ 100 મિલિયનથી વધુના ભાવે વેચાઇ છે. નોંધનિય છે કે સ્પેનના પાબ્લો પિકાસોની ઘણી પેઇન્ટિંગ્સ ખૂબ પ્રખ્યાત અને વિવાદાસ્પદ રહી છે. પિકાસોએ બાળપણથી જ પેઇન્ટિંગ બ્રશ હાથમાં લઈ લીધું હતું. માત્ર 15 વર્ષની ઉંમરે, તે આકર્ષક ચિત્રો બનાવીને સૌને આશ્ચર્યચકિત કરતો હતો. માનવીય અત્યાચાર પર બનેલા પિકાસોની ઘણી પેઇન્ટિંગ્સ વિશ્વમાં ખૂબ પ્રખ્યાત થઈ છે.

(12:40 am IST)