Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

સોવરીન ગોલ્ડ બોન્ડ સ્કીમ ૨૦૨૧-૨૨ના પહેલી શ્રેણી આવતા સોમવારથી શરૂ

મુંબઈ, તા.૧૫: 'સરકાર વતી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા સોવરીન ગોલ્ડ બોન્ડ (એસજીબી) સ્કીમની પ્રથમ'

શ્રેણી આવતા સોમવારથી શરૂ થશે અને મેથી સપ્ટેમ્બર સુધી વિવિધ છ તબક્કામાં રોકાણ કરી શકાશે.

ઇન્ડિયા બુલિયન જવેલર્સ એસોસિયેશન (ઈબજા) દ્વારા પાછલા ત્રણ દિવસના ૯૯૯ પ્યોરીટી ગોલ્ડના ભાવની સરેરાશ સબક્રીપશન શરૂ થવાના દિવસે ઇસ્યુ પ્રાઈસ તરીકે લાગુ થાય છે.

આ ઉપરાંત સરકારે આરબીઆઇ સાથે ચર્ચા કરી આ સ્કીમમાં રોકાણ માટે ઓનલાઇન પેમેન્ટ કરનાર અરજદારને પ્રતિ ગ્રામ રૂ.૫૦નું ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો છે.

સરકાર દ્વારા માર્કેટમાંથી કરજ ઉપાડવાના કાર્યક્રમના ભાગ રૂપે આ ગોલ્ડ બોન્ડ સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ બોન્ડ એક ગ્રામના ગુણાંકમાં ખરીદી શકાશે અને તેની મુદત ૮ વર્ષની છે. તે પહેલાં જો કોઈને રોકાણ છૂટું કરવું હોય તો પાંચમા વર્ષે બોન્ડ વેચી શકશે અને તેમનું તે અનુસાર વ્યાજ કપાશે.

માત્ર નિવાસી ભારતીયો, હિન્દુ સંયુકત પરિવાર (એચયુએફ), ટ્રસ્ટ, યુનિવર્સિટી અને સખાવત સંસ્થાઓ આ ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. પ્રતિ નાણાં વર્ષ (એપ્રિલથી માર્ચ) દરમિયાન કમ સે કમ એક ગ્રામ અને મહત્તમ ૪ કિલો માટે ગોલ્ડ બોન્ડ વ્યકિત ખરીદી શકે છે, એ પ્રમાણે એચયુએફ પણ ૪ કિલો સુધી અને ટ્રસ્ટ અને તેના જેવી સંસ્થાઓ મહત્તમ ૨૦ કિલો સુધીના ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે.

આ ગોલ્ડ બોન્ડ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, પોસ્ટ ઓફિસો તેમ જ એનએસઈ અને બીએસઈ જેવા અધિકૃત સ્ટોક એકસચેન્જ વેચી શકશે.

(10:37 am IST)