Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

રાજકોટમાં આજે ૩૪ મોતઃ બપોર સુધીમાં ૭૫ કેસ

સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૩૭ પૈકી ૩ કોવીડ ડેથ થયાઃ હાલમાં ૨૫૦૪ દર્દીઓ સારવાર હેઠળઃ કુલ કેસનો આંક ૩૯,૨૬૦ થયોઃ આજ દિન સુધીમાં ૩૬,૫૦૮ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૩.૧૬ ટકા થયો

રાજકોટ તા. ૧૫: શહેર - જિલ્લામાં  છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન ૩૪ નાં મૃત્યુ થયા છે.જયારે શહેરમાં બપોર સુધીમાં ૭૫ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૧૪ એપ્રિલનાં સવારનાં ૮ વાગ્યા થી તા.૧૫નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૩૪ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

ગઇકાલે ૩૭ પૈકી ૩ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૨૭૮૯ બેડ ખાલી છે.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં  ૩૪ દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

બપોર સુધીમાં કોરોનાના ૭૫ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૭૫ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૩૯,૨૬૦ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે.

ગઇકાલે કુલ ૫,૧૫૧ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૩૧૬  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૬.૧૩ ટકા થયો  હતો. જયારે ૪૩૬ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં  ૧૦,૮૯,૨૦૭ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૯,૨૬૦  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૬૦ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૨૫૦૪  દર્દીઓ સારવાર હેઠળ છે.

(2:50 pm IST)