Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

ગંગામાં લાશો પ્રવાહિત કરવાના કારણે નમામિ ગંગે મિશનને મોટી અસર પડશે

લાશોના કારણે ગંગા નદીમાં પાણીનું પ્રદૂષણ વધી ગયું છે

નવી દિલ્હી તા. ૧૫ : ઉત્તરપ્રદેશ અને બિહારમાં કોરોના સંક્રમણ વધવાના કારણે લોકો મોટી સંખ્યામાં કોરોના સંક્રમિતોની લાશો ગંગા નદીમાં પ્રવાહીત કરી રહ્યા છે અથવા નદી કાંઠે દફનાવી રહ્યા છે. કોરોનાકાળમાં દેશનું સૌથી મોટું સ્મશાન ઉન્નાવમાં બન્યુ હતુ. અહીંના શુકલાગંજ અને બકસર ઘાટ પાસે અંદાજે ૯૦૦ લાશો દફનાવવામાં આવી હતી. તો કાનપુરના શિવરાજપુરના ખેરેશ્વર ઘાટ પર પણ ઢગલાબંધ લાશો જોવા મળી હતી.

શિવરાજપુરમાં અંતિમ સંસ્કાર કરાવતા વ્યકિતના કહેવા અનુસાર, કોરોનાકાળમાં એટલા મોત થયા કે ઘાટો પર જગ્યા ઓછી પડતી હતી ખર્ચાના કારણે સ્થાનિકો ચોરી છુપી તેમના સ્વજનોની લાશોને અહીં દફનાવી જતાં હતા. લાશોના કારણે ગંગા નદીમાં પાણીનું પ્રદુષણ વધી ગયું છે. આનાથી ગંગા સફઇ અભિયાન નમામિ ગંગેને પણ મોટી અસર પડશે. ગંગા કિનારે વસેલા ગામડાઓમાં પણ નદીનું પાણી ઉપયોગમાં લેવામાં આવે તો બિમારીનું જોખમ વધી ગયું છે.યુપીના જળ સંશાધન મંત્રી મહેન્દ્ર સિંહે ગુરૂવારે કહ્યું કે તેમનો વિભાગ આમને રોકી શકે તેમ નથી. જો કોઇ રાતના અંધારામાં નદીમાં લાશ ફેંકી જાય તો તેમાં અમે શું કરી શકીએ ? ગંગાને પ્રદુષણથી બચાવવા માટે જયાંથી લાશો મળી હતી ત્યાં તંત્રએ જરૂરી પગલાઓ લીધા છે.

હ્યમુન રાઈટ્સ કમિશને કેન્દ્ર સરકાર અને રાજય સરકારોને જણાવ્યું હતું કે, મોતનો મલાજો જળવાય અને મૃતદેહોની યોગ્ય અને માનવતાપૂર્ણ અંતિમક્રિયા કરવામાં આવે તે અંગે તાકીદે કડક કાયદા લાવવા જોઈએ. કેટલાક રાજયો અને શહેરોમાં ડમ્પિગ ટ્રક અને કચરાના ટ્રકમાં કોરોનાગ્રસ્ત લોકોના મૃતદેહોનો ઢલગો ભરીને નાકી આવવા મુદ્દે પણ કમિશને નારાજગી વ્યકત કરી હતી. કમિશને જણાવ્યું હતું કે, આવી ઘટનાઓ અંતિમ સંસ્કારના અધિકારોના હનન સમાન છે.

  • ગંગાકિનારે કયાંથી કેટલી લાશો મળી ?

.   કન્નોજમાં ૩૫૦ લાશોને દફનાવાઇ

.   કાનપુરમાં ૪૦૦ કરતાં વધારે લાશોને દફનાવાઇ

.   ઉન્નાવમાં ૯૦૦ લાશો દફનાવાઇ

.   ફતેહપુરમાં ૨૦ લાશોને દફનાવાઈ

.   પ્રયાગરાજમાં ૧૩ લાશોને નદીમાંથી બહાર કઢાઈ

.   ચંદોલીમાં બે દિવસમાં ૧૨ લાશો મળી

.   ભદોહીના ઘાટ પર બે દિવસમાં ૮ લાશ મળી

.   સુજાબાદમાં ૭ લાશો મળી

.   ગાજીપુરમાં ૨૮૦ લાશો મળી

(11:51 am IST)