Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

ડિસેમ્બર સુધીમાં ૯૫ કરોડ લોકોને વેકિસન ! શું છે સરકારનો પ્લાન ?

હાલમાં સર્જાયેલી વેકિસનની તંગી જુલાઇ સુધીમાં હળવી બને તેવી શકયતા : ૧૮ વર્ષથી વધુ વયના તમામ નાગરિકોને રસી આપી દેવાનો સરકારનો પ્લાન : કોવેકિસન, કોવિશિલ્ડ ઉપરાંત સ્પુતનિકને પણ ગણતરીમાં લેવામાં આવી

નવી દિલ્હી તા. ૧૫ : હાલ સ્ટોકના અભાવે અટવાઈ ગયેલી વેકિસનેશનની પ્રક્રિયા જુલાઈ મહિનાથી ઝડપી બને તેવી શકયતા છે. ખાસ કરીને ૧૮-૪૪ વર્ષના લોકોને બને તેટલી જલ્દી રસી આપવામાં આવશે. સરકારી સૂત્રોનું માનીએ તો આ ડિસેમ્બર સુધીમાં સરકાર ૯૫ કરોડ લોકોને વેકિસન આપી દેવા માગે છે. એક વરિષ્ઠ સરકારી સૂત્રના જણાવ્યા અનુસાર, ૧૮ વર્ષથી વધુ વયના નાગરિકોને વેકિસન આપી દેવા સરકાર તમામ પ્રયાસ કરી રહી છે, અને આ કામ ડિસેમ્બર સુધીમાં પૂરું કરી દેવાશે.

દેશની મોટાભાગની વસ્તીને રસી આપવા માટે સરકારને મે મહિનામાં ૮.૫ કરોડ, જુનમાં ૧૦ કરોડ, જુલાઈમાં ૧૫ કરોડ, ઓગષ્ટમાં ૩૬ કરોડ, સપ્ટેમ્બરમાં ૫૦ કરોડ, ઓકટોબરમાં ૫૬ કરોડ, નવેમ્બરમાં ૫૯ કરોડ અને ડિસેમ્બરમાં ૬૫ કરોડ ડોઝની જરુર પડશે. દેશમાં કોવેકિસન અને કોવિશિલ્ડ સાથે રશિયન વેકિસન સ્પુતનિકને પણ મંજૂરી મળી ગઈ છે.

સૂત્રોનું માનીએ તો, મે મહિના સુધીમાં તેના ૬૦ કરોડ ડોઝ ડિલિવર થવાની શકયતા છે. ત્યારબાદ જુનમાં ૧ કરોડ, જુલાીમાં ૨.૫ કરોડ અને ઓગષ્ટમાં ૧.૬ કરોડ ડોઝ પ્રાપ્ત થશે. રશિયન કંપનીએ ભારતમાં ડો. રેડ્ડીઝ સાથે જોડાણ કર્યું છે, અને તેની સાથે ઓગષ્ટ બાદ નવેમ્બર અને ડિસેમ્બરમાં ૭ કરોડથી વધુ ડોઝ પૂરા પડાશે.

તેવી જ રીતે, કોવિશિલ્ડના પણ જુન મહિનામાં ૬.૫ કરોડ, જુલાઈમાં ૭ કરોડ, ઓગષ્ટમાં ૧૦ કરોડ, સપ્ટેમ્બરથી ડિસેમ્બરમાં ૧૧.૫ કરોડ ડોઝ મળવાની ગણતરી છે. જયારે કોવેકિસનના જુનમાં ૨.૫ કરોડ, જુલાઈ-ઓગષ્ટમાં ૭.૫ કરોડ અને સપ્ટેમ્બરમાં ૭.૭ કરોડ, ઓકટોબર-નવેમ્બરમાં ૧૦.૨ કરોડ તેમજ ડિસેમ્બરમાં ૧૩.૫ કરોડ ડોઝ મળશે.

એક તરફ અમેરિકાએ વેકિસનના બંને ડોઝ લેનારા લોકોને માસ્ક પહેરવામાંથી મુકિત આપી દેવાની જાહેરાત કરી છે. જોકે, ભારતમાં હજુ તેના માટે કેટલોક સમય રાહ જોવી પડી શકે છે. AIIMSના ડિરેકટર રણદીપ ગુલેરિયાએ આ અંગે જણાવ્યું હતું કે, વાયરસના મ્યુટન્ટ્સ સામે વેકિસન કેટલું રક્ષણ આપે છે તેને લઈને હજુ પણ કેટલીક અનિશ્યિતતા પ્રવર્તી રહી છે. તેવામાં વેકિસનના બંને ડોઝ લેનારા લોકોએ પણ કોરોનાથી બચવા તમામ તકેદારી લેવી જરૂરી છે.

(11:53 am IST)