Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

મહારાષ્ટ્રમાં માસુમો પર છવાયુ કોરોનાનું સંકટ

૪૩ દિ'માં ૭૬૦૦૦ બાળકો થયા સંક્રમિત

મુંબઇ તા. ૧૫ : દેશમાં કોરોના વાયરસની બીજી લહેરથી સૌથી વધારે અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. અહીં માસૂમ બાળકો પણ કોરોનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. છેલ્લા ૪૩ દિવસમાં અહીં ૧૦ વર્ષથી નાની ઉંમરના ૭૬૪૦૧ બાળકો સંક્રમિત થયા છે. ૨૦૨૧માં જાન્યુઆરીથી ૧૨ મે સુધી ૧૦ વર્ષથી નાના ૧,૦૬,૨૨૨ બાળકો સંક્રમિત થયા છે. બાળકો પર આ મહામારીના પ્રકોપને ધ્યાનમાં રાખીને હોસ્પિટલોમાં બાળકોને માટે આઈસીયૂ બનાવવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે કુલ ૬૭૧૧૦ બાળકો સંક્રમિત થયા હતા. એકસપર્ટનું માનવું છે કે ત્રીજી લહેર બાળકોને અસર કરશે. મહારાષ્ટ્ર આ માટે પહેલાથી તૈયારી કરી રહ્યું છે. અહીં ડોકટર્સનું કહેવું છે કે લગભગ ૭૦ ટકા બાળકોના રિપોર્ટ નેગેટિવ છે પણ એન્ટીબોડી પોઝિટિવ છે તેમની ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.

આઠ મહિનાનો મુસ્તફા છેલ્લા ૮ દિવસથી બીમાર છે. મુંબઈની હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ છે, થોડા દિવસ તે વેન્ટિલેટર પર રહ્યો અને પછી તેને મલ્ટીસિસ્ટમ ઈન્ફલેમ્ટ્રી સિન્ડ્રોમ નામની બીમારી આવી. તે કોરોના સંક્રમણના થોડા સમય બાદ આવે છે. તે તેની સામે લડી શકયો. તેની સ્થિતિ હાલમાં સારી છે. બાળકનો રેસ્પિરેટરી રેટ ૩૦-૪૦ હોવો જોઈએ તે ૭૦-૮૦ થયો છે. સેચ્યુરેશન લગભગ ૮૦ ટકા રહ્યું છે. બાળકને હોસ્પિટલ લાવતા જ વેન્ટિલેટર પર રખાયું અને સ્ટીરોઈડનો ડોઝ અપાયો. બાળકની સ્થિતિ તરત જ સુધરવા લાગી હતી. 

જાણીતા ડોકટરનું કહેવું છે કે આ પ્રકારના બાળકોની સંખ્યા વધી છે. ૬૦-૭૦ ટકા બાળકો તાવ સાથે આવે છે. આ સિવાય ડાયરિયા, ઇચિંગ, સ્કીન પર પેચ, આ ફરિયાદ જોવા મળે છે. ૬૦-૭૦ ટકા બાળકોના કોવિડ એન્ટીબોડી પોઝિટિવ આવી રહ્યા છે. તેમાં અલગ અલગ સ્ટેજ હોય છે. એકમાં માઈલ્ડ ફીવર, બીજા સ્ટેજમાં હાઈ ફિવર, હાઈ ઇન્ફલેમેટ્રા સાઈન અને ત્રીજી કેટગરીમાં બાળકો ખરાબ કંડિશન હાઈ શોક સાથે આવે છે. એવામાં બીપી ઘટે છે અને તપાસ અને સારવાર મળી ન રહેવાથી ખતરો વધે છે. હાઈ સ્ટીરોઈડ આપવાની સાથે વેન્ટિલેટર સપોર્ટ આપવો પડે છે.

મહારાષ્ટ્રની એક હોસ્પિટલમાં નવજાત બાળકો માટે આઈસીયૂ તૈયાર કરાયા છે. એકસપર્ટનું માનવું છે કે નાના બાળકો પોતાની તકલીફ કહી શકતા નથી આ માટે કોરોના રિપોર્ટ અને તપાસ પર નહીં પણ બાળકમાં દેખાતા સામાન્ય લક્ષણને લઈને સાવધાન રહેવાની જરૂર છે.

(11:56 am IST)