Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

ગંગોત્રી ધામના કપાટ વિધિ વિધાનથી ખુલ્યાઃ પ્રથમ પુજા નરેન્દ્રભાઇના નામથી કરાઇ

નવી દિલ્હી,તા. ૧૫ : વિશ્વ પ્રસિધ્ધ ગંગોત્રી ધામના કપાટ વિધિ વિધાનથી આજે સવારે અખાત્રીજના ઉદય બેલાએ ૭:૩૧ વાગ્યે ખોલવામાં આવેલ. ચાર ધામ યાત્રા સ્થગિત થતા કપાટ ઉદ્ઘાટનમાં ૨૧ તીર્થ પુરોહીતો સામેલ થયેલ.

ગંગોત્રી ધામના કપાટ ખુલવાની સાથે પ્રથમ પુજા નરેન્દ્રભાઇના નામથી કરવામાં આવેલ. તીર્થ પુરોહીતોએ કોરોનાથી મુકિત અને સુખ-શાંતિની કામના કરેલ. આ અવસરે ગંગોત્રીમાં શીતકાળ દરમિયાન સાધના કરનાર સાધુ સંતોએ દૂર થી જ મા ગંગાના દર્શન કરેલ.

આ અવસરે તંત્રના પ્રતિનિધી રૂપે ઉપજીલ્લા અધિકારી દેવેન્દ્ર નેગી, ગંગોત્રી મંદિર સમિતિના અધ્યક્ષ સુરેશ સેમવાલ, સચીવ રાજેશ સેમવાલ, ગંગા પુરોહિત સભા અધ્યક્ષ પવન સેમવાલ, રાકેશ સેમવાલ, મંદિર સમિતિ સચિવ દીપક સેમવાલ, સત્યેન્દ્ર સેમવાલ સામેલ થયેલ.

ગત શુક્રવારે ગંગાના શીતકાળ સ્થળ મુખવાથી ગંગાથી ડોળી ગંગોત્રી માટે રવાના થયેલ. રાત્રી વિશ્રામ ભૈરવ ઘાટી સ્થિત ભૈરવ મંદિર ખાતે કરેલ. ડોળી આજે સવારે ૪ વાગ્યે ગંગોત્રી માટે રવાના થયેલ. અને ૬:૩૦ વાગે ગંગોત્રી ધામ પહોંચેલ. પહેલી પુજા નરેન્દ્રભાઇના નામે જ્યારે બીજી પુજા મુખ્યમંત્રી તીરથસિંહ રાવતના નામે કરવામાં આવેલ.

(12:54 pm IST)