Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

પાકિસ્તાનમાં માત્ર ૩૯ લાખ લોકોને રસી અપાઈ

વેક્સિનેસન મામલે પાકિસ્તાનનો રેકોર્ડ ખુબજ ખરાબ : પાકિસ્તાનની વસતી ૧૫ કરોડ કરતા વધારે, રસીકરણને લઈને ઈમરાન સરકાર પર માછલા ધોવાઈ રહ્યા છે

ઈસ્લામાબાદ, તા. ૧૫ : ભારતમાં કોરોનાના સંક્રમણ અને રસીની અછતની વચ્ચે પણ ૧૫ કરોડ કરતા વધારે લોકોને કોરોનાની રસી અપાઈ છે અને બીજી તરફ પાડોશી દેશ પાકિસ્તાનનો આ મામલામાં રેકોર્ડ ઘણો કંગાળ છે. પાકિસ્તાનની વસતી ૧૫ કરોડ કરતા પણ વધારે છે અને અહીંયા હજી માત્ર ૩૯ લાખ લોકોને જ કોરોનાની રસી મુકી શકાઈ છે.

પાકિસ્તાનમાં રસીકરણને લઈને ઈમરાનખાન સરકાર પર માછલા ધોવાઈ રહ્યા છે ત્યારે ફરી એક વખત વિશ્વ બેક્ને કોરોનાની રસી મુકવા માટે પાકિસ્તાનની મદદ કરવાનુ નક્કી કર્યુ છે.

પાકિસ્તાનને વિશ્વ બેક્ન કોરોનાના વેક્સીનેશન પ્રોગ્રામ માટે ૧૫૩ મિલિયન ડોલર એટલે કે ૧૧ અબજ રુપિયાની સહાય કરવાનુ નક્કી કર્યુ છે. વિશ્વ બેક્ન આ પહેલા પણ કહી ચુકયુ છે કે, ગરીબ દેશોને વેક્સીન ખરીદવામાં અને તેનુ વિતરણ કરવામાં અમે મદદ કરીશું.

વર્લ્ડ બેક્ને કુલ ૨૧ દેશોમાં બે અબજ ડોલરથી વધારે કિંમતની વેક્સીન યોજનાઓને મંજૂરી આપી છે અને તેમાં પાકિસ્તાન પણ એક છે.વિશ્વ બેક્ને કહ્યુ છે કે, આ રકમનો ઉપયોગ રસી મુકવા માટેના તંત્રને મજબૂત કરવા માટે અને વેક્સીનેશન પ્રોગ્રામને લાગુ કરવા માટે કરવામાં આવશે.

પાકિસ્તાન માટે વર્લ્ડ બેક્નનુ કહેવુ છે કે, પાકિસ્તાનમાં કોરોનાએ લાખો લોકોને પ્રભાવિત કર્યા છે. પાકિસ્તાનમાં સ્વાસ્થ્યના સંકટને દુર કરવા માટે વિશ્વ બેક્ન પાકિસ્તાનની પાર્ટનર બની છે અને કોરોનાના કારણે જે સામાજિક અને રાજકીય સ્થિતિ ઉભી થઈ છે તે દુર કરવા માટે સહાય કરી રહી છે.પાકિસ્તાન ઉપરાંત વિશ્વ બેક્ને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાને પણ ૭૬૮ અમેરિકન ડોલરની સહાય વેક્સીનેશન માટે આપવાનુ નક્કી કર્યુ છે. પાકિસ્તાન ૧૯૫૦થી વિશ્વ બેક્નનુ સભ્ય છે અને અત્યાર સુધીમાં બેક્ન પાકિસ્તાનને ૪૦ બિલિયન ડોલરની સહાયતા અલગ અલગ કારણોસર કરી ચુકી છે.

(8:35 pm IST)