Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

ઇઝરાયેલની ગાઝા એરસ્ટ્રાઈકમાં 12 માળની ઇમારત જમીનદોસ્ત : અલ જજીરા સહિત અનેક ઑફિસો ધ્વસ્ત

ઇમારતમાં અમેરિકન મીડિયા એસોસિએટ પ્રેસ (AP) અને કતારના મીડિયા હાઉસ અલ જજીરા સહિત અનેક મીડિયા હાઉસની ઑફિસો હતી

નવી દિલ્હી: ગાઝા પટ્ટીમાં ઈઝરાયલ અને ફિલિસ્તીન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) દ્વારા શનિવારે સાંજે એરસ્ટ્રાઈક કરીને 12 માળની ઈમારતને જમીનદોસ્ત કરી દેવામાં આવી, જેમાં અમેરિકન મીડિયા એસોસિએટ પ્રેસ (AP) અને કતારના મીડિયા હાઉસ અલ જજીરા સહિત અનેક મીડિયા હાઉસની ઑફિસો આવેલી હતી. Israel Air Strike

અહીં હુમલો કરતાં પહેલા IDF તરફથી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં લોકોને પોતાના ઘર ખાલી કરવા કહેવામાં આવ્યું હતું. જેના એક કલાક બાદ ઈઝરાયલના ફાઈટર પ્લેને બોમ્બ વરસાવવાનું શરૂ કરી દીધુ. થોડી સેકન્ડમાં 12 માળની ઈમારત જમીનદોસ્ત થઈ ગઈ હતી.

ઈઝરાયલ અને હમાસ (જેને ઈઝરાયલ આતંકવાદી સંગઠન માને છે) વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 126 લોકોના મોત થઈ ચૂક્યાં છે. જેમાં 31 બાળકો પણ સામેલ છે. બન્ને તરફથી થઈ રહેલા હુમલાઓમાં 950થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કુલ મૃત્યુઆંકમાં માત્ર 6 ઈઝરાયલી છે, જ્યારે અન્ય ફિલિસ્તીની છે.

ઈઝરાયલ અને ફિલિસ્તીનના યુદ્ધ બાદ હવે બન્ને દેશોમાં હિંસા પણ ભડકી રહી છે. ફિલિસ્તીનના સ્વાસ્થ્ય વિભાગે શુક્રવારે હિંસામાં 9 લોકોના માર્યા ગયા હોવાની પુષ્ટિ કરી છે. બીજી તરફ IDFએ પોતાના નિવેદમાં કહ્યું કે, ગાઝા બાદ હવે વેસ્ટ બેંક તરફથી ઈઝરાયલમાં પથ્થરમારો અને બોમ્બ ફેંકવાની ઘટનાઓ સામે આવી રહી છે. સ્થિતિ એટલી વણસી ગઈ છે કે, લૉડ શહેરમાં ઈમરજન્સી લગાવવી પડી છે. 1966 બાદ આવું પ્રથમ વખત થયું છે, જ્યારે હિંસાના કારણે અહીં ઈમરજન્સી લગાવવી પડી હોય.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુતેરેસે ઈઝરાયલ અને ફિલિસ્તીનના મુદ્દે રવિવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠક બોલાવી છે. આ મુદ્દે તેમને પાવરફૂલ દેશોની ચૂપકિદી પર નારાજગી વ્યક્ત કરી છે.

UNના રાષ્ટ્રીય પ્રવક્તા સ્ટીફન દુજારિકે જણાવ્યું કે, બન્ને દેશો વચ્ચે શાંતિ સ્થાપવા માટે દુનિયાએ એકજૂટ થવું જોઈએ. આ સમસ્યાનું સમાધાન કરવું જોઈએ. અગાઉ ગુરુવારે યોજાનારી UNSCની બેઠકને અમેરિકાએ બ્લોક કરી દીધી હતી. આ મિટિંગ ચીન તરફથી બોલાવવામાં આવી હતી. ફિલિસ્તીનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે યુનાઈટેડ નેશનને આ મુદ્દા પર હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે

(11:27 pm IST)