Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

કટરામાં શ્રદ્ધાળુઓને લઈ જતી બસમાં આગ લાગવાની ઘટનામાં નવો ખુલાસો: આતંકવાદી ષડયંત્રની આશંકા

‘જમ્મુ અને કાશ્મીર ફ્રીડમ ફાઈટર્સ’ (JKFF) નામના આતંકવાદી જૂથે હુમલાની જવાબદારી લીધી

જમ્મુ-કાશ્મીરના કટરામાં શ્રદ્ધાળુઓને લઈ જતી બસમાં આગ લાગવાની ઘટનામાં એક નવો ખુલાસો થયો છે. ‘જમ્મુ અને કાશ્મીર ફ્રીડમ ફાઈટર્સ’ (JKFF) નામના આતંકવાદી જૂથે હુમલાની જવાબદારી લીધી છે. જો કે, આજદિન સુધી આ વાતને સમર્થન મળતું નથી.જમ્મુ-કાશ્મીરના કટરામાં શનિવારે શ્રદ્ધાળુઓને લઈ જતી બસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. કટરાથી જમ્મુ જઈ રહેલી લોકલ બસ નંબર JK 14-1831માં કટરાથી લગભગ 1.5 કિમી દૂર ખરમાલ પાસે આગ લાગી હતી.

દુર્ઘટના પછી તરત જ, એવું જાણવા મળ્યું હતું કે બસમાં એન્જિન વિસ્તારમાંથી આગ લાગી હતી. આગ થોડી જ વારમાં આખી બસને લપેટમાં લીધી હતી. આ ઘટનામાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 22 ઘાયલોને સારવાર માટે કટરા મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 3ની હાલત વધુ ગંભીર જણાતા તેમને વિશેષ સારવાર માટે જમ્મુ રીફર કરાયા હતા.

કટરા બસ દુર્ઘટનામાં આતંકવાદી હુમલાના એંગલથી પણ તપાસ કરવામાં આવી રહી છે. NIAની ટીમે કટરાની મુલાકાત લીધી હતી અને બસનું નિરીક્ષણ કર્યું હતું. NIAને આશંકા છે કે હુમલાને અંજામ આપવા માટે સ્ટીકી બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે.જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે આ ઘટના માટે વળતરની જાહેરાત કરી હતી. તેમણે કટરામાં દુર્ભાગ્યપૂર્ણ બસ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 1 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

 

(11:41 pm IST)