Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

ધ ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશનના વિજ્ઞાનિકોએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી એચએસ-૨૦૦ રોકેટ બૂસ્ટરનું સફળ પરીક્ષણ કર્યું

ગગનયાનની તૈયારી ચાલી રહી છે ત્યારે આ પરીક્ષણ ખૂબ જ મહત્વનું સાબિત થશે: આ સંપૂર્ણપણે સ્વદેશી રોકેટ બૂસ્ટર છે: ઈસરો

નવી દિલ્‍હી : ધ ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશનના વિજ્ઞાનિકોએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી એચએસ-૨૦૦ રોકેટ બૂસ્ટરનું સફળ પરીક્ષણ કર્યું હતું. સમાનવ અવકાશયાત્રા માટે આ પરીક્ષણ ખૂબ જ મહત્વનું સાબિત થશે.

ઈસરોએ શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરમાંથી હ્મુમન રેટેડ સોલિડ રોકેટ બૂસ્ટર એચએસ૨૦૦નું સફળ પરીક્ષણ કર્યું હતું. તેનું આ પ્રથમ તબક્કાનું પરીક્ષણ હતું. આ બૂસ્ટર રોકેટને જીએસએલવી- માર્ક૩ રોકેટની નીચે લગાવાય તેવી શક્યતા છે. એટલે જ તેને બૂસ્ટર રોકેટ કહેવામાં આવે છે.

ગગનયાનની તૈયારી ચાલી રહી છે ત્યારે આ પરીક્ષણ ખૂબ જ મહત્વનું સાબિત થશે. અગાઉ ઈસરોએ જુલાઈ-૨૦૨૧માં વિકાસ એન્જિન લોંગ ડયુરેશન હોટ ટેસ્ટનું ત્રીજું પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણમાં એન્જિનના માપદંડોમાં આ રોકેટ ખરું ઉતર્યું હતું. ભારતના સમાનવ અવકાશયાત્રા માટે આ મહત્વનો પડાવ બન્યો છે.

આ રોકેટ ભારતના અવકાશયાત્રીઓને અવકાશમાં પહોંચાડવામાં મદદ કરશે. તેમની અવકાશયાત્રાને બૂસ્ટ કરશે. ગગનયાન માટે ભારતના ચાર પાયલટે રશિયાની મદદથી તાલીમ લઈ લીધી છે. ગગનોટ્સ તરીકે ઓળખાતા આ અંતરિક્ષયાત્રીઓને ભારત અવકાશમાં મોકલશે. કેન્દ્ર સરકારે ગગનયાન માટે ૧૦ હજાર કરોડનું બજેટ ફાળવ્યું છે. સાત દિવસ સુધી ભારતીય અવકાશયાત્રીઓ અંતરિક્ષમાં રહેશે તેવું આયોજન છે.

ઈસરોના એક નિવેદનમાં કહેવાયું હતું કે ભારતના સંશોધકોએ બનાવેલા એચએસ૨૦૦ બૂસ્ટર રોકેટનું સફળ પરીક્ષણ થયું છે. તે સંપૂર્ણપણે સ્વદેશી રોકેટ બૂસ્ટર છે.

(11:33 am IST)