Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

કોલકાતા નાઈટ રાઈડર્સે હૈદરાબાદ સામે ૫૪ રનથી જીત મેળવતા પ્લે ઓફમાં પ્રવેશવાની આશા જીવંત

રસેલે ૨૮ બોલમાં અણનમ ૪૯ રન ફટકાર્યા અને ૨૨ રનમાં ત્રણ વિકેટ ઝડપી:જીતવા માટેના ૧૭૮ના ટાર્ગેટ સામે હૈદરાબાદ ૮ વિકેટે ૧૨૩ રન જ કરી શક્યું

મુંબઈ :રસેલના ઓલરાઉન્ડ દેખાવને સહારે કોલકાતા નાઈટ રાઈડર્સે હૈદરાબાદ સામે ૫૪ રનથી જીત હાંસલ કરતાં પ્લે ઓફમાં પ્રવેશવાની આશાને જીવંત બનાવી છે. રસેલે ૨૮ બોલમાં અણનમ ૪૯ રન ફટકાર્યા હતા અને ૨૨ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જીતવા માટેના ૧૭૮ના ટાર્ગેટ સામે હૈદરાબાદ ૮ વિકેટે ૧૨૩ રન જ કરી શક્યું હતુ.

કોલકાતાએ આ સાથે પ્લે ઓફની રેસમાં દાવેદારી મજબૂત કરી છે.તેમના ૧૩ મેચમાં ૧૨ પોઈન્ટ છે. જ્યારે હૈદરાબાદ સતત પાંચમા પરાજય બાદ બહાર ફેંકાવા તરફ ધકેલાયું છે. તેમના ૧૨ મેચમાં ૧૦ જ પોઈન્ટ છે અને તેમનો રનરેટ પણ -૦.૨૭૦ થઈ ગયો છે.

રસેલે માત્ર ૨૮ બોલમાં ચાર છગ્ગા અને ત્રણ ચોગ્ગા સાથે અણનમ ૪૯ રન ફટકારતાં કોલકાતા નાઈટ રાઈડર્સે હૈદરાબાદ સામેની આઇપીએલ ટી-૨૦માં લડાયક બેટીંગ સાથે ૬ વિકેટે ૧૭૭ રન નોંધાવ્યા હતા. કોલકાતાએ આખરી ૭ ઓવરમાં ૭૭ રન ફટકારતાં સ્કોરને સન્માનજનક સ્થિતિમાં પહોંચાડયો હતો. ઉમરાન મલીકે ૩૩ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે સેમ બિલિંગે ૩૪ રન નોંધાવ્યા હતા.

કોલકાતાના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. વેંકટેશ ઐયર ૭ રને જાન્સેનનો શિકાર બન્યો હતો. રહાણે અને નિતિશે સ્કોરને ૬૫ સુધી પહોંચાડી હતી. આ પછી કોલકાતાએ નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. રાણા ૨૬ રને, રહાણે ૨૮ રને શ્રેયસ ઐયર ૧૫ રને ઉમરાન મલિકનો શિકાર બન્યા હતા. નટરાજને રિન્કુ (૫)ને આઉટ કરતાં કોલકાતાએ ૯૪ રનમાં પાંચમી વિકેટ ગુમાવી હતી.

આખરી ઓવરોમાં કોલકાતાએ ઝંઝાવાત જગાવતા ૭ ઓવરમાં ૭૭ રન ફટકાર્યા હતા. સુંદરે નાંખેલી ઈનિંગની આખરી ઓવરમાં કોલકાતાએ ૨૦ રન લીધા હતા.

   
(10:42 pm IST)