Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

એનસીપીના કાર્યકર્તાઓએ ઓફિસમાં જઈને ભાજપ પ્રવક્તાને મારી થપ્પડ

વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ : મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે એનસીપી કાર્યકર્તાઓ સામે કાર્યવાહીની માંગ કરી

મુંબઈ :મહારાષ્ટ્રમાં શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાએ કાર્યાલયમાં પ્રવેશ્યા પછી ભાજપના પ્રવક્તાને થપ્પડ મારી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ભાજપના મહારાષ્ટ્ર એકમના નેતા વિનાયક આંબેકરે પૂણે પોલીસને ફરિયાદ કરી છે કે એનસીપીના ઓછામાં ઓછા 20 કાર્યકરોએ અહીં તેમની ઓફિસમાં તેમની સાથે મારપીટ કરી હતી.

મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે એનસીપી કાર્યકર્તાઓ સામે કાર્યવાહીની માંગ કરી છે.ચંદ્રકાંત પાટીલે ટ્વીટર પર વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું "મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તા વિનાયક આંબેકર પર એનસીપીના ગુંડાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને ભાજપ વતી હું આ હુમલાની સખત નિંદા કરું છું. એનસીપીના આ ગુંડાઓ પર તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ.'

વિનાયક આંબેકરે કહ્યું કે તેઓ ટેક્સ કન્સલ્ટન્ટ પણ છે અને તેમણે શુક્રવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી, જેના વિશે પાર્ટીના સાંસદ ગિરીશ બાપટે તેમને માફી માંગવા કહ્યું હતું. ભાજપ પ્રવક્તાએ કહ્યું 'આજે મને કોઈએ ફોન કર્યો અને કહ્યું કે તેણે ટેક્સ અંગે સલાહ લેવી છે. આ વ્યક્તિ 20 લોકો સાથે મારી ઓફિસમાં આવ્યો અને મને થપ્પડ મારી, ત્યારબાદ મારા ચશ્મા તૂટી ગયા. મેં પોલીસમાં ફરિયાદ કરી છે અને હું ઈચ્છું છું કે કેસ નોંધવામાં આવે. આ દરમિયાન એનસીપીના એક કાર્યકર્તાએ પણ વિશ્રામબાગ પોલીસ સ્ટેશનમાં અંબેકર વિરુદ્ધ ફરિયાદ કરી છે અને શરદ પવાર વિરૂદ્ધ પોસ્ટ લખવાનો આરોપ લગાવ્યો છે.

નોંધનીય છે કે અન્ય એક કેસમાં મહારાષ્ટ્રની કોર્ટે રવિવારે મરાઠી અભિનેત્રી કેતકી ચિતાલેને શરદ પવાર વિશે સોશિયલ મીડિયા પર કથિત રીતે વાંધાજનક પોસ્ટ શેયર કરવા બદલ 18 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધી છે. ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી 29 વર્ષીય ચિતાલેએ કથિત રીતે તેના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેયર કરી હતી તે પછી થાણે પોલીસે શનિવારે તેની ધરપકડ કરી હતી. અત્યાર સુધી મુંબઈ, થાણે, પૂણે સહિત મહારાષ્ટ્રના અલગ-અલગ સ્થળોએ તેની વિરુદ્ધ કેસ નોંધાયા છે. થાણે પછી મુંબઈના અંધેરી પવઈ પોલીસ સ્ટેશનમાં અભિનેત્રી વિરુદ્ધ નોંધાયેલા કેસમાં આઈપીસીની 153 એ, 500, 501 અને 505 જેવી કલમો લગાવવામાં આવી છે.

   
(10:49 pm IST)