Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

ચારધામની યાત્રાના નિયમોમાં થયા મોટા ફેરફાર :નવા નિયમ જાણવા જરૂરી નહિતર પરત ફરવું પડશે

ગુજરાત ટુરિઝમ દ્વારા ચારધામ યાત્રાના નિયમમાં ફેરફાર: 50 વર્ષથી ઉપરની ઉંમરના લોકોના મેડિકલ ચેકઅપ ફરજિયાત

નવી દિલ્હી ;  હિંદુધર્મમાં ચારાધામ યાત્રાનું ખુબ મહત્વ છે. કહેવાય છે કે, મૃત્યુ પહેલા તો એક વખત ચારધામ યાત્રા કરવી જ જોઈએ.પરંતુ હવે જો ઉમર 50 વર્ષથી ઉપરની હશે તો તમારા માટે ચારધામ યાત્રામાં સંકટ આવી શકે છે. કારણ કે, હવે 50 વર્ષથી ઉપરના લોકોએ ફૂલ બોડીચેક અપ કરાવવો પડશે. સ્વાસ્થ્યને લઈને રિપોર્ટ સારા આવ્યા તો જ પરમિશન મળશે. ત્યારે શા માટે આવો નિર્ણય લેવાયો છે તે અંગે જાણીલો..

ચારધામ યાત્રાનું દરેક સનાતનીનું સપનું હોય છે. દર વર્ષે લાખો લોકો ચારધામની યાત્રા કરે છે. કોરોનાના કપરા કાળ પછી આ વર્ષે પ્રથમ વખત ચારધામ યાત્રાના દ્વાર ખુલ્યા છે. જેના પગલે લાખો ભક્તો યાત્રાએ નિકળી પડ્યા છે. પરંતુ અત્યાર સુધીમાં 50 શ્રદ્ધાળુઓના યાત્રા દરમિયાન મૃત્યુ થયા છે. તેમાંના મોટા ભાગના શ્રદ્ધાળુઓના મૃત્યુ હૃદય રોગને સંબંધિત સમસ્યાઓના કારણે થયાં છે. તેવામાં ગુજરાતમાંથી 4 ધામની યાત્રાએ જવા માટેના નિયમોમાં ફેરફાર થયા છે. જેમાં ફરજિયાત 50 વર્ષથી ઉપરના લોકોએ ફૂલ બોડી ચેકએપ કરાવવો પડશે.

ચારધામ યાત્રા એટલે કે ચાર પવિત્ર યાત્રાધામો. જે હિમાલયની ઊંચાઈ પર સ્થિત છે. યાત્રાળુઓ નીચા તાપમાન, ઓછા ભેજ, વધેલા અલ્ટ્રાવાયોલેટ કિરણો, હવાનું ઓછું દબાણ અને ઓક્સિજનના નીચા સ્તરને કારણે અચાનક પ્રભાવિત થાય છે. કેદારનાથ ટ્રેકને ભારતમાં સૌથી જોખમી ટ્રેક માનવામાં આવે છે. આ 16 કિલોમીટરના ટ્રેકમાં ભક્તોની ભારે ભીડ હોય છે. પહાડોમાં ચાલવાનું હોવાથી મેદાની વિસ્તારમાં રહેતા લોકોને અહીં ભારે મુશ્કેલી પડે છે. ઊંચાઈવાળા વિસ્તારોમાંથી પસાર થતા વૉકિંગ પથમાં ઠંડીની સાથે ઑક્સિજનની પણ અછત પડે છે, આવી સ્થિતિમાં પગપાળા ચડતી વખતે હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કૅન્સર, અસ્થમાના દર્દીઓની તબિયત બગડવાનો ભય રહે છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં ઓક્સિજનના અભાવે બ્લડ પ્રેશર વધવાની ફરિયાદ રહે છે. ઘણા લોકોના હાર્ટએટેકના કારણે મૃત્યું થાય છે. જેને જોતા હવે ગુજરાતથી 4 ધામ યાત્રાએ જવા માટે નિયમો બદલાઈ ગયા છે. જેમાં 50 વર્ષથી ઉપરના લોકોએ ફૂલ બોડી ચેકઅપ કરાવવું પડશે. ત્યાર પછી જ ટુર ઓપરેટરો બુકિંગ ફાઈનલ કરશે.

4 ધામની યાત્રાની નવી એડવાઈઝરી

  • પૂર્વ બિમાર વ્યક્તિઓએ ડૉક્ટરનું કન્સલ્ટેશન ફોર્મ અને નંબર સાથે રાખવો
  • ખૂબ જ વૃદ્ધ, બિમાર અને કોવિડથી પીડિત વ્યક્તિઓ માટે પ્રવાસ પર ન જવું
  • અથવા થોડા સમય માટે મુલતવી રાખવું યોગ્ય રહેશે
  • હૃદયરોગ, શ્વાસ સંબંધી રોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર
  • જેવી બિમારીથી પીડાતા દર્દીઓએ ઊંચાઈવાળા વિસ્તારોમાં જતી વખતે ખાસ કાળજી લેવી
  • પીડિત વ્યક્તિએ દવાઓનો પૂરતો જથ્થો સાથે રાખવો
  • મુસાફરી દરમિયાન ડૉક્ટરે સૂચવેલી દવાઓ અને પરામર્શ સાથે રાખવા
  • માથાનો દુખાવો, ચક્કર, ગભરાટ, ઝડપી ધબકારા
  • ઉલટી, હાથ-પગ અને હોઠ લીલા પડવા
  • થાક, શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અથવા અન્ય લક્ષણો
  • જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર પહોંચવું

યાત્રા કરવાનું દરેકનું સપનું હોય છે. પરંતુ સ્વાસ્થ્યના દમ પર યાત્રા પણ ન કરવી જોઈએ. કારણ કે, ચારધામની યાત્રા પડકારોથી ભરેલી છે. જોકે ગુજરાત ટુરિઝમે જે રીતે મેડિકલ નિયમોમાં ફેરફાર કર્યા છે. તેવી જ રીતે ઉત્તરાખંડમાં પણ 50 વર્ષથી ઉપરની ઉંમરના લોકોના મેડિકલ ચેકઅપ કર્યા બાદ જ ચારધામ યાત્રાની પરવાનગી આપવામાં આવી રહી છે. તેવામાં જો તમે પણ ચારધામની યાત્રા કરવા માગો છો. અથવા તો માતા-પિતાને યાત્રા કરાવવાનું વિચારી રહ્યા છો તે પહેલા તેમનો મેડિકલ ચેકઅપ જરૂર કરાવજો. નહીંતર નિરાશ થઈને પરત ફરવું પડશે.

(11:10 pm IST)