Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

કોરોના સંકટ વચ્ચે આમઆદમીને ડબલ માર : મોંઘવારી રેકોર્ડ બ્રેક સ્તરે

મોંઘવારીએ ડાકલા વગાડયા : જથ્થાબંધ ફુગાવો આસમાને

મે મહિનાનો જથ્થાબંધ ફુગાવો ૧૨.૯૪ ટકાની સર્વોચ્ચ સપાટીએ : તેલ - દાળ - શાકભાજી - કઠોળ બધુ જ મોંઘુદાટ : ૧ વર્ષમાં કરિયાણુ ૪૦ ટકા મોંઘુ થયું : ખાદ્ય તેલના ભાવ ૫૦ ટકા વધ્યા : મધ્યમ વર્ગનું માસિક બજેટ ચોપટ

નવી દિલ્હી તા. ૧૪ : કોરોના સંકટ વચ્ચે દેશમાં મોંઘવારી પણ નવો રેકોર્ડ કાયમ કરી રહી છે. મે મહિનામાં જથ્થાબંધ ભાવ આધારિત ૧૨.૯૪ ટકાની અત્યાર સુધીના રેકોર્ડ બ્રેક ઉંચાઇ પર પહોંચી ગઇ છે. અગાઉ એપ્રિલ મહિનામાં જથ્થાબંધ ભાવ ૧૦.૪૯ ટકા પર હતો. સતત બે મહિના જથ્થાબંધ મોંઘવારીના બે અંકનો દાયરો પાર કર્યો છે. જથ્થાબંધ મૂલ્ય સૂચકાંકમાં તેજીનો આ સતત પાંચમો મહીનો છે.

સરકાર દ્વારા જાહેર આંકડાના જણાવ્યા મુજબ ગયા વર્ષે આ સમયગાળો એટલે કે મે ૨૦૨૦માં જથ્થાબંધ મોંઘવારી -૩.૩૭ ટકા હતી. સરકારનું કહેવું છે કે લો બેસ ઇફેકટ અને ક્રુડ ઓઇલ, પેટ્રોલ - ડીઝલની સાથે અન્ય ખનિજ તેલ તથા મેન્યુફેકચર્ડ વસ્તુઓના ભાવમાં આવેલી તેજીના કારણે મોંઘવારી વધી છે.

આ દરમિયાન દાળમાં ૧૨.૦૯ ટકા, ડુંગળીમાં ૨૩.૨૪ ટકા, ફળોમાં ૨૦.૧૭, તેલીબીયાના ભાવમાં ૩૫.૯૪ ટકા અને ક્રુડ ઓઇલના ભાવમાં ૧૦૨.૫૧ ટકાનો વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલના ભાવમાં ૬૨.૨૮ ટકા, ડીઝલમાં ૬૬.૩ ટકા અને શાકભાજીના ભાવમાં ૫૧.૭૧ ટકાનો ઉછાળો થયો છે તે પહેલા ક્રુડ ઓઇલ, પેટ્રોલ - ડિઝલના ભાવમાં વધારાથી એપ્રિલ ૨૦૨૧માં જથ્થાબંધ મોંઘવારી ૧૦.૪૯ ટકા પહોંચ્યો હતો. માર્ચ ૨૦૨૧ની સરખામણીએ અંદાજે ૭.૩૯ ટકાનો વધારો થયો છે.

વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર આંકડા મુજબ માર્ચ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી ફકત ૩.૧ ટકા હતી. એ જ રીતે ફેબ્રુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી ૪.૧૭ ટકા હતી.

કોરોના મહામારીથી પરેશાન મધ્યમ વર્ગ માટે મોંઘવારી નવી મુસીબત બનીને આવી છે. જીવન જરૂરીયાત વસ્તુઓ એટલે કે કરિયાણાના સામાનના ભાવમાં એક વર્ષમાં ૪૦ ટકાનો વધારો થયો છે અને ખાદ્યતેલોમાં ભાવ ૫૦ ટકા વધી ગયા છે.

(3:22 pm IST)