Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

જમ્મુમાં બનશે તિરૂપતિ બાલાજીનું મંદિર ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડીએ કર્યું ભૂમિપૂજન

જમ્મુ,તા.૧૪ : તિરૂપતિ બાલાજી હવે મંદિરોના શહેર જમ્મુમાં પહોંચવાના છે. જમ્મુ શહેરના સિદડામાં તિરૂપતિ બાલાજી જેવુ જ ભગવાન વેંકટેશ્વરનું ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય રવિવારે શરૂ થઇ ગયું છે.

જમ્મુ પહોંચેલા ગૃહ રાજ્યપ્રધાન જી કિશન રેડ્ડીએ રવિવારે સવારે સિદડામાં વૈદિક મંત્રોચ્ચારણ વચ્ચે ભૂમિપૂજન પછી શિલાન્યાસ કર્યો. આ અવસરે જમ્મુ-કાશ્મીરના ઉપરાજપાલ મનોજસિંહા, તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ બોર્ડના અધ્યક્ષ વાયવી સુબ્બા રેડ્ડી અને જમ્મુ પુંચના સાંસદ જુગલ કિશોર શર્મા સહિત ઘણા સન્માનિત લોકો ઉપસ્થિત હતા.

સવારે અગ્યાર વાગ્યે યોજાયેલ આ કાર્યક્રમમાં વાઇવી સુબ્બા રેડ્ડીએ મંદિર અને અન્ય બુનિયાદી માળખાને વિકસીત કરવા માટે અપનાવાનાર રણનીતિ અંગે કેન્દ્રીય પ્રધાન અને ઉપરાજ્યપાલને જણાવ્યું.

મંદિરનું નિર્માણ ૬૨.૦૨ એકર જમીન પર કરવામાં આવશે. જેના માટે જમ્મુ કાશ્મીર પ્રશાસન તરફથી હાલમાં જ તિરૂપાલા તિરૂપતિ દેવસ્થાનમને આ જમીન એલોટ કરાઇ હતી. આ મંદિરના નિર્માણથી જમ્મુમાં ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન મળશે. વાયવી સુબ્બા રેડ્ડીએ જમ્મુમાં ભગવાન વેંકટેશ્વરના મંદિરના ભૂમિપૂજનના એક દિવસ પહેલા શનિવારે વૈષ્ણોદેવીની યાત્રા કરીને આશિર્વાદ મેળવ્યા હતા.

રાજ્ય સરકારે જમ્મુથી લગભગ ૧૦ કિલોમીટર દૂર આવેલ મજીન ગામમાં ભગવાન વેંકટેશ્વરના મંદિર નિર્માણ માટે પહેલી એપ્રિલે ૨૫ હેકટર (લગભગ ૬૨ એકર એટલે કે અઢી લાખ ચોરસ મીટર) જમીન એલોટ કરી હતી. આ જમીન ૪૦ વર્ષના લીઝ પર અપાઇ છે. તેના પર તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ મંદિર, વેદ પાઠશાળા, અધ્યાત્મ કેન્દ્ર, આવાસીય સુવિધાનું નિર્માણ કરશે. આગામી દિવસોમાં આ ભૂમિ પર આરોગ્ય અને શિક્ષણ સુવિધાઓ પણ ઉભી કરવાનો પ્રસ્તાવ છે. ટીટીડી બે વર્ષમાં શાળા, હોસ્પિટલની સાથે મંદિરનું નિર્માણ કરશે.

(3:41 pm IST)