Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

કોરોનાની વેક્‍સિન લીધા બાદ ૪૮૮ લોકોનાં મોત

દેશમાં અત્‍યાર સુધી ૨૩.૫ કરોડ લોકોને કોરોનાની વેક્‍સિન આપવામાં આવી છે, જેમાંથી ૨૬,૦૦૦ લોકોને આડઅસર થઈ છે

નવી દિલ્‍હી,તા. ૧૫:છેલ્લા દોઢ વર્ષથી દેશમાં કોરોના વાયરસએ હાહાકાર મચાવ્‍યો છે. આ દરમિયાન વાયરસ સામે લડવા માટે વેક્‍સિનેશન અભિયાન શરુ કરવામાં આવ્‍યું છે. દેશમાં ગત અઠવાડિયા સુધીમાં કુલ ૨૩.૫ કરોડ લોકોને વેક્‍સિન આપવામાં આવી છે. તેમાંથી કુલ ૪૮૮ લોકોનાં મોત થયા છે અને ૨૬,૦૦૦ લોકોને આડઅસર થઈ હોવાનું આંકડાઓ જણાવે છે.

CNA ન્‍યૂઝ૧૮ના આંકડાઓ મુજબ, ૭ જુન સુધીમાં દેશમાં ૨૩.૫ કરોડ લોકોને કોરોનાની વેક્‍સિન આપવામાં આવી છે. વેક્‍સિન લીધા બાદ અત્‍યાર સુધીમાં ૪૮૮ લોકોના મોત થયા છે. જયારે આ સમય દરમિયાન ૨૬,૨૦૦ લોકોને ખરાબ રીતે અસર થઈ છે. વિજ્ઞાનની ભાષામાં આને એડવર્ઝ ઇવેન્‍ટ ફોલોવિંગ ઇમ્‍યુનાઇઝેશન (AEFI) કહેવામાં આવે છે. જો તે ટકાવારીમાં જોવામાં આવે તો તે માત્ર ૦.૦૧ ટકા છે. એટલે કે, ૧૪૩ દિવસની અંદર, ૧૦,૦૦૦ લોકોમાંથી માત્ર એક વ્‍યક્‍તિને વેક્‍સિમની વધુ આડઅસર દેખાઈ છે. જયારે દર દસ લાખ વેક્‍સિન લેનારા લોકોમાંથી બે લોકોનાં મોત નીપજયાં છે. જો આંકડાઓને બારીકાઇથી જોવામાં આવે તો, મૃત્‍યુની સંખ્‍યા ખુબ ઓછી છે. આ આંકડા ૧૬ જાન્‍યુઆરીથી ૭ જુન સુધીના છે.

AEFIના કુલ કેસો ૨૬,૨૦૦ માંથી બે ટકા એટલે કે ૪૮૮ના મૃત્‍યુ થયા હતા. મૃતકોમાં કુલ ૩૦૧ પુરુષો અને ૧૭૮ મહિલાઓનો સમાવેશ થાય છે. આ ડેટામાં બાકીના નવ લોકોના લિંગનો ઉલ્લેખ નથી. મૃત્‍યુ પામનારાઓમાં, ૪૫૭ લોકોને કોવિશિલ્‍ડનો ડોઝ આપવામાં આવ્‍યો. જયારે મૃત્‍યુ પામનારા ૨૦ લોકોને કોવેક્‍સિનના ડોઝ આપવામાં આવ્‍યા હતા.

દરેક દેશમાં આવા ડેટા એકત્રિત કરવામાં આવે છે. જેથી ભવિષ્‍યમાં વેક્‍સિનની આડઅસર ઓછી થઈ શકે.

મળતી માહિતી પ્રમાણે, ભારત બાયોટેકની કોવેક્‍સિન અને સીરમ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ ઈન્‍ડિયાની કોવિશિલ્‍ડ આ બન્ને રસીઓમાં ૦.૧ ટકા AEFI કેસ મળી આવ્‍યા છે. નિષ્‍ણાતોનું કહેવું છે કે, આંકડાઓને જોતા મૃત્‍યુની સંખ્‍યા અને AEFIના કેસો બન્ને ખુબ ઓછા છે. આ સ્‍થિતિમાં, નિષ્‍ણાતો વેક્‍સિન લેવાની સલાહ આપી રહ્યા છે.

ભારતમાં કોરોનાને કારણે અત્‍યાર સુધીમાં ત્રણ લાખથી વધુ લોકોનાં મોત થયા છે. આવી સ્‍થિતિમાં વેક્‍સિન કોરોનાને હરાવવાનું એકમાત્ર વાસ્‍તવિક હથિયાર છે.

 

(10:52 am IST)