Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

તનાવ - ચિંતા - ગુસ્સો - બેચેનીએ ભરડો લીધો : રસપ્રદ સર્વે

કોરોનાકાળમાં મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય ઉપર માઠી અસર : ૯૩ ટકા પોતાના મનની વાત કહી શકતી નથી

પાંચમાંથી ચાર મહિલાઓ કહે છે કે... સ્કુલ - વર્કફ્રોમ હોમને કારણે કામ વધ્યું : ખુદ માટે સમય મળતો નથી : ટીવી પણ જોઇ શકાતુ નથી

નવી દિલ્હી તા. ૧૫ : કોરોના મહામારીના પ્રકોપે માનસિક આરોગ્ય પર પણ ઊંડો ઘા કર્યો છે. પરિસ્થિતિ એવી છે કે પાછલા બે વર્ષોની સરખામણીમાં આ વર્ષે માનસિક દર્દીઓની સંખ્યા ૫૦૦ ટકા જેટલી વધી છે પણ પુરૂષોની સરખામણીમાં મહિલાઓમાં આ સ્થિતિ વધારે ગંભીર છે. સ્થિતી એવી છે કે ૨૦૧૯ અને ૨૦૨૦ની સરખામણીમાં બીજી લહેર દરમિયાન મહિલાઓના માનસિક આરોગ્ય પર ૨૦ ટકા વધારે અસર થઇ છે. ડોકટરો અનુસાર, તાણ, ચિંતા, બેચેની અને ગુસ્સો વધારે આવવાની સાથે સાથે મહિલાઓમાં ચીડીયાપણુ વધારે જોવા મળી રહ્યું છે.

ફોર્ટીસ હોસ્પિટલના ડો. દીક્ષા અડવાણી જણાવે છે કે વર્ક ફ્રોમ હોમ અને શાળાઓ બંધ થયા પછી એક ગૃહિણી માટે પરિવારને સાચવવાનું મુશ્કેલ બન્યું છે તો નોકરિયાત મહિલાઓ માટે આ પડકાર વધારે મુશ્કેલ છે કેમકે તેમણે નોકરીની સાથે સાથે પતિ, બાળકો અને અન્ય પરિવારજનોને પણ સંભાળવાના હોય છે. પરિસ્થિતિ એવી છે કે મોટાભાગની મહિલાઓ પોતાની મુશ્કેલીઓ શેર પણ નથી કરી શકતી અને અંદરને અંદર ચિંતા અને ગુસ્સામાં રહે છે.

ડો. દીક્ષા અડવાણી જણાવે છે કે, તેમની પાસે રોજની પાંચથી છ મહિલાઓ કાઉન્સેલીંગ માટે આવી રહી છે. આ પહેલા જેવી સ્થિતિ નથી. કોરોના કાળ પહેલા રોજ એક કે બે મહિલાઓ આવતી હતી. કોઇ કોઇ મહિનામાં દસ બાર દિવસ સુધી એક પણ કેસ નહોતો આવતો. પણ ગયા વર્ષે સપ્ટેમ્બર પછીથી તેમની પાસે આવતી મહિલાઓની સંખ્યા ઘણી વધી ગઇ છે. ગંભીર વાત એ છે કે મોટા ભાગની મહિલાઓ પોતાની વાત ખુલીને બતાવી નથી શકતી.

(10:23 am IST)