Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

મુદત વીત્‍યા બાદ જીએસટી રિટર્ન ભર્યું તો તમામ દિવસોની લેટ ફી વસૂલાશે

વિચિત્ર નિયમથી કરદાતાએ આર્થિક ભારણ વેઠવું પડશે

નવી દિલ્‍હી,તા. ૧૫: જીએસટી લાગુ થયા બાદ સરળીકરણ કરવાના બદલે ગૂંચવાડો જ કરવામાં આવતો હોવાની પ્રતીતિ કરદાતાઓને થતી હોય છે. કારણ કે મોડું રિટર્ન ભરનારાઓને કોરોનાના કારણે મુદત લંબાવી તો આપી પરંતુ તે મુદત બાદ એક દિવસ પણ રિટર્ન મોડું ભર્યું હતો તેના માટે તમામ દિવસનો દંડ વસૂલ કરવાનો નિયમ બનાવવામાં આવ્‍યો છે. તેના કારણે કરદાતાઓએ વધુ આર્થિક ભારણ વેઠવાની નોબત આવીને ઊભી રહે તેમ છે.

પાંચ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવનાર વેપારીઓએ માર્ચ- એપ્રિલ અને મેનું રિટર્ન મોડામાં મોડું પાંચથી સાત જૂન સુધી ભરવા માટેની છેલ્લી મુદત આપી હતી. તે જ પ્રમાણે પાંચ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવનાર માટે પણ આજ તારીખ નક્કી કરવામાં આવી હતી. જયારે પાંચ કરોડથી ઓછું ટર્નઓવર હોય પરંતુ ત્રિમાસિક રિટર્ન ભરતા હોય તેવા વેપારીઓને ૨૬ જુલાઇ સુધીમાં મોડામાં મોડું રિટર્ન ભરવાની તારીખ આપવામાં આવી છે.ᅠ જોકે, ત્‍યારબાદ વેપારીને પાંચ તારીખ છેલ્લી હોય અને રિટર્ન છ તારીખે પણ ભર્યુ હશે તો જે મહિનાનું રિટર્નની છેલ્લી તારીખ હશે ત્‍યારથી રિટર્ન ભર્યાના દિવસ સુધીની લેટ ફી વસૂલ કરાશે. જેથી એક દિવસ પણ રિટર્ન મોડું ભર્યું તો રોજના ૫૦ લેખે વસૂલ કરવામાં આવશે.

જીએસટી કાઉન્‍સિલે બહાર પાડેલા આ નિયમને કારણે વેપારી પર વધુ આર્થિક બોજ આવી શકે તેમ છે. જેથી ટેક્‍સ બાર એસોસિયેશનના નેજા હેઠળ તેની રજૂઆત પણ કરવામાં આવી છે. તેમાં મુદત વીત્‍યા બાદ રિટર્ન ભરવામાં આવે તો સળંગ દિવસની લેટ ફીના બદલે બાકીના દિવસનો જ દંડ લેવામાં આવે તેવી પણ માંગણી કરાઇ છે.

(10:56 am IST)