Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

આજથી સોનાની જ્‍વેલરી પર હોલમાર્કિંગ અનિવાર્ય

આજથી બદલાઇ ગયા સોનાના ઘરેણા સાથે જોડાયેલા નિયમો : ૨૨ કેરેટ-૧૮ કેરેટ -૧૪ કેરેટની જવેલરી હવે હોલમાર્ક વગર નહિ મળે : જો નિયમનો ભંગ થશે તો જેલ-પેનલ્‍ટી

નવી દિલ્‍હી,તા. ૧૫: જો તમે સોનાની ખરીદી કરવા જઈ રહ્યા છો તો તમારા માટે જરૂરી છે આ સમાચાર. આજથી એટલે કે ૧૫ જૂનથી ગોલ્‍ડ હોલમાર્કિંગને ફરજિયાત કરી દેવામાં આવ્‍યું છે. તેવામાં જો તમે ખરીદી કરવા જઈ રહ્યા છો તો તેની પહેલા નિયમો જાણી લેવા જરુરી છે.  કેન્‍દ્ર સરકારે સોનાની જવેલરી પર ગોલ્‍ડ હોલમાર્કિંગ ફરજિયાત કરી દેવામાં આવ્‍યું છે. ૧૫ જૂનથી તમામ જવેલર્સ માટે અનિવાર્ય છે કે તે ફક્‍ત બીઆઈએસ પ્રમાણિક ઘરેણા વેચે. જો કોઇ જ્‍વેલર્સ હોલમાર્કિંગ વગર ગોલ્‍ડ જ્‍વેલરી વેંચતા પકડાશે તો તેને ૧ વર્ષની જેલ પણ થઇ શકે છે. સાથો સાથ તેના પર ગોલ્‍ડ જ્‍વેલરીની વેલ્‍યુની ૫ ગણા સુધીની પેનલ્‍ટી પણ ફટકારાશે. હવે ૨૨-૧૮-૧૪ કેરેટની જવેલરી હોલમાર્કિંગ વગર નહિ મળે.

ગોલ્‍ડ હોલમાર્કિંગને લઈને કેન્‍દ્ર સરકાર ગત દોઢ વર્ષથી આનું પ્‍લાનિંગ  કરી રહી છે. આ આદેશને આજથી સમગ્ર દેશમાં લાગૂ કરવામાં આવી રહ્યો છે. તેવામાં આ આદેશ પહેલાથી લાગૂ થઈ શકતો હતો. પરંતુ દેશમાં કોરોનાને કારણે તેને અમલમાં ન લાવી શક્‍યા. જાણો નવા નિયમ વિશે એ બધું જ જે તમે જાણવા માંગો છે.

હોલમાર્કિંગ એ સરકારની ગેરેંટી છે. હોલમાર્કનો આધાર ભારતની એજન્‍સી બ્‍યૂરો ઓફ ઈન્‍ડિયન સ્‍ટેન્‍ડર્ડ કરે છે. હોલમાર્કિંગમાં કોઈ ઉત્‍પાદકને નક્કી માપદંડ પર પ્રમાણિત કરાય છે. ભારતમાં તે કામ માટે  BIS સંસ્‍થા છે. જે ગ્રાહકોને મળનારી ગુણવત્તાની તપાસ કરે છે. સોનાના સિક્કા કે ઘરેણા કોઈ પણ સોનાના આભૂષણ જે બીઆઈએસ દ્વારા હોલમાર્ક કરાયા છે તેની પર લોગો હોવો જરૂરી છે. તેનાથી ખ્‍યાલ આવે છે કે લાયસન્‍સ પ્રાપ્ત પ્રયોગશાળામાં તેની શુદ્ધતાની તપાસ કરાઈ છે. 

જો કોઈ પણ નિયમનું પાલન નહીં કરે  તો ૧ લાખથી લઈને જવેલરીના ભાવના ૫ ગણા સુધીનો દંડ કરવામાં આવશે. બીઆઈએસ એક્‍ટ ૨૦૧૬ના કલમ ૨૯ હેઠળ સજા થઈ શકે છે. જવેલર્સને દગાખોરીની સાથે ૧ વર્ષની કેદની સજા પણ થઈ શકે છે. તપાસ માટે સરકારે BIS-Care નામથી એપ લોન્‍ચ કર્યું છે. તેનાથી એપ પર જ શુદ્ધતાની તપાસ અને ફરિયાદ કરી શકાશે.

દેશમાં હોલમાર્કિંગ લાગૂ કરવાની તારીખને વધારી દેવામાં આવી છે. પહેલા આ નિયમ જાન્‍યુઆરી ૨૦૨૧માં લાગૂ થવાનો હતો. આ પછી કોરોનાના કારણે તેને ૧ જૂન સુધી વધારાયો અને હવે તેને ૧૫ જૂન સુધી વધારી દેવાયો છે. હોલમાર્કિંગનો નિયમ લાગૂ થયા બાદ ફક્‍ત ૨૨ કરેટ, ૧૮ કેરેટ, ૧૪ કેરેટની જવેલરી વેચાશે. હોલમાર્કિંગમાં બીઆઈએસની મહોર, કેરેટની જાણકારી હશે. જવેલરી બનવાની તારીખ, જવેલરનું નામ પણ હશે. બીઆઈએસ હોલમાર્કિંગ સિસ્‍ટમને ઈન્‍ટરનેશનલ માપદંડો સાથે જોડવામાં આવ્‍યું છે.

ઉલ્લેખનીય છે કે હોલમાર્કિંગનો નિયમ લાગૂ થયા બાદ ફક્‍ત ૨૨ કરેટ, ૧૮ કેરેટ, ૧૪ કેરેટની જવેલરી પર હોલમાર્કિંગ કરવામાં આવશે.

હોલમાર્કિંગ લાગૂ થયા બાદ દ્યર કે લોકરમાં પડેલા જૂના ઘરેણાનું શું થશે તે એક પ્રશ્ન છે. તમે કોઈ પણ હોલમાર્કિંગ સેન્‍ટર પર અથવા દ્યરેણા વેચનારને ત્‍યાં જઈને તમારા જૂના દ્યરેણાનું હોલમાર્કિંગ કરાવી શકો છો. જૂના દ્યરેણાનું મુલ્‍ય વધારે રહેશે.  બીજું કે હોલમાર્કિંગનો આ નિયમ સોનાના દાગીના વેચનાર જવેલર્સ માટે લાગૂ કરવામાં આવ્‍યો છે.  ગ્રાહક હોલમાર્ક વગર વેચી શકે છે.

સરકારના આ પગલાથી સોનાની શુદ્ધતાનું પ્રમાણ સરળતાથી આપી શકાશે. તેનું પ્રમાણ હોવાથી હોન્‍ડક્રાફ્‌ટ ગોલ્‍ડ માર્કેટને પ્રોત્‍સાહન મળશે. આ સાથે જવેલરી ઈન્‍ડસ્‍ટ્રીનો પણ વિસ્‍તાર થશે. વર્તમાનમાં દેશભરના ૨૩૪ જિલ્લા ૮૯૨ હોલમાર્કિંગ કેન્‍દ્ર સંચાલિત છે જે ૨૮, ૮૪૯ બીઆઈએસ રજિસ્‍ટર્ડ જવેલર્સ માટે હોલમાર્કિંગ કરે છે. જો કે આ સંખ્‍યામાં વધારો થવાની આશા છે.

(10:58 am IST)