Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

પશ્ચિમ બંગાળમાં રાજકીય લડત યથાવત : શુભેન્દુ અધિકારીની આગેવાનીમાં સભ્યો રાજયપાલની મુલાકાતે

નવી દિલ્હી, તા. ૧પ : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી ખત્મ થયા પછી પણ રાજકીય લડાઇ સતત ચાલી રહી છે. હાલના સમયમાં સૌથી વધારે મુશ્કેલી ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં છે, જ્યાં નેતાઓ સતત સાથ છોડી રહ્યાં છે. આ બધા વચ્ચે પાછલા દિવસે પાર્ટીના નેતા શુભેન્દુ અધિકારીની આગેવાનીમાં પાર્ટીના સભ્યો રાજ્યપાલ જગદીશ ધનખડ સાથે મુલાકાત કરી અને રાજ્યમાં ચૂંટણી પછી થયેલી હિંસાનો મુદ્દો ઉઠાવ્યો. જોકે, આ મુલાકાત દરમિયાન બીજેપીના લગભગ બે ડઝન ધારાસભ્ય ગાયબ રહ્યાં, તે પછી અટકળો વધારે તેજ થઈ ગઈ છે.

વિધાનસભામાં બીજેપીના નેતા શુભેન્દુ અધિકારી સોમવારે ભારતીય જનતા પાર્ટીના ૫૦ ધારાસભ્યો સાથે રાજ્યપાલને મળ્યા હતા. તે સમયે પશ્ચિમ બંગાળ વિધાનસભાના ૨૫ ધારાસભ્ય શુભેન્દુ અધિકારીના આ શકિત પ્રદર્શનમાં સામેલ થયા નહતા.

જે ધારાસભ્ય શકિતપ્રદર્શનમાં પહોંચ્યા નથી તેમાંથી મોટાભાગના ઉત્તર બંગાળમાંથી આવે છે. તેથી અહીં પ્રશ્ન ઉભા થવા લાગ્યા છે કે, ગેરહાજર રહેલા ધારાસભ્ય ટીએમસીમાં સામેલ થવાની ઈચ્છા ધરાવે છે, કેમ કે પાછલા કેટલાક દિવસોથી અને ખાસ કરીને મુકુલ રોય ટીએમસીમાં સામેલ થયા પછી અટકળો વધી ગઈ છે કે બીજેપીના અનેક ધારાસભ્યો ટીએમસીમાં સામેલ થઈ શકે છે. જ્યારે આને લઈને શુભેન્દુ અધિકારીને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમને કહ્યું કે, આમાં બધા લોકોને બોલાવ્યા નહતા.

(1:53 pm IST)