Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

૬૮ વર્ષના વૃધ્ધે જીવ ગુમાવ્યો

કોરોના વેકસીનથી ભારતમાં પ્રથમ મોત

ભારત સરકારે બનાવેલી પેનલે મોતની કરી પુષ્ટી

નવી દિલ્હી તા. ૧૫ : ભારતમાં કોરોના વેકસીન લગાવ્યા બાદ પ્રથમ મોતની પુષ્ટિ થઇ છે. વેકસીનના કારણે ૬૮ વર્ષના એક વૃધ્ધનું મોત થયું છે. આ વાત કેન્દ્ર સરકાર દ્વારા નિમણુંક કરવામાં આવેલી પેનલની રીપોર્ટમાં સામે આવી છે.

વેકસીન લગાવ્યા બાદ કોઇ ગંભીર બીમારી થવી અથવા મોત થવાને વૈજ્ઞાનિક ભાષામાં એડવર્સ ઇવેન્ટ ફોલોઇંગ ઇમ્યુનાઇજેશન કહેવામાં આવે છે. AEFI માટે કેન્દ્ર સરકારે એક કમિટિની નિમણૂંક કરી છે.

આ કમિટિએ વેકસીન લગાવ્યા બાદ થયેલા ૩૧ મોતનું એસેસમેન્ટ કર્યા બાદ કન્ફર્મ કર્યું કે, ૬૮ વર્ષના એક વૃધ્ધનું મોત વેકસીન લગાવ્યા બાદ એનાફિલેકસીસથી થયું છે. તે એક પ્રકારનો એલર્જીક રિએકશન હોય છે. વૃધ્ધને ૮ માર્ચ ૨૦૨૧ના રોજ વેકસીનના પ્રથમ ડોઝ લગાવ્યો હતો અને થોડા સમય બાદ તેનું મોત થયું હતું.

AEFI કમિટિના ચેરમેન ડો. એન.કે.અરોડાએ પ્રથમ મોતની પુષ્ટિ કરી છે. જો કે તેઓએ આ અંગે કોઇ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો.

AEFI કમિટીના ચેરમેન ડો. એનકે અરોડાએ પહેલા મોતની પુષ્ટિ કરી છે. જોકે તેમણે આ મામલામાં આગળ બીજું કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો હતો. બીજી ત્રણ મોતનું કારણ પણ વેકિસનને માનવામાં આવ્યું છે. પરંતુ હજુ તેની પુષ્ટિ થવાની બાકી છે. સરકારી પેનલની રિપોર્ટ અનુસાર, 'વેકિસન સાથે જોડાયેલા હાલ જે પણ રિએકશન સામે આવી રહ્યા છે. તેનું પુર્વાનુમાન હતું જ. તેમાં હાલ સાઈન્ટિફિક એવિડેન્સના આધાર પર વેકિસનેશનને જવાબદાર ગણાવી શકાય છે. આ રિએકશન એલર્જી સાથે સંબંધિત અથવા અનાફિલેકસીસ જેવા હોઈ શકે છે.'

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એનાફિલેકસીસના વધુ બે કેસ સામે આવ્યા છે. આ લોકોને ૧૬ જાન્યુઆરી અને ૧૯ જાન્યુઆરીએ વેકિસન લગાવવામાં આવી હતી. આ બન્ને યુવાન હતા. તેમાંથી એકની ઉંમર ૨૨ વર્ષની હતી અને એકની ઉંમર ૨૧ વર્ષની હતી. આટલું જ નહીં, આ બન્નેને અલગ અલગ વેકસીન લગાવવામાં આવી હતી. તેમાંથી એકને કોવિશીલ્ડ અને એકને કોવેકિસનનો ડોઝ આપવામાં આવ્યો હતો. જોકે આ બન્ને દર્દી હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સાજા થઈ ગયા હતા.

જોકે ડોકટર અરોડાનું કહેવું છે કે હજારોમાં એકાદને એલર્જી સાથે જોડાયેલુ રિએકશન થાય છે. તેમણે જણાવ્યું કે, 'જો વેકિસનેશન બાદ એનાફિલેકસીસના લક્ષણ દેખાય તો તરત સારવારની જરૂર છે. ૩૦ હજારથી ૫૦ હજાર લોકોમાંથી ૧ને એનાફિલેકસીસ અથવા ગંભીર રિએકશન દેખાઈ શકે છે.'

(3:08 pm IST)