Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

જૈસી કરની વૈસી ભરની

૪૩ ટકા ભારતીયોએ ૧ વર્ષથી કોઇ પણ ચાઇનીઝ વસ્તુ લીધી નથી : ડ્રેગનને તમાચો

આર્થિક મોરચે ચીનને લાગ્યો ફટકો : ઠેરઠેર બહિષ્કારની ઝુંબેશ ચાલુ

નવી દિલ્હી તા. ૧૫ : લદ્દાખની પાસે ગલવાનઘાટીમાં ચીની સૈનિકો સાથે ગયા વર્ષે થયેલી અથડામણમાં ભારતીય સેનાના જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. એટલું જ નહિ ત્યારથી અત્યાર સુધીમાં એક વર્ષમાં આર્થિક મોરચા પર લોકોએ ચીનને પછાડયું છે. એક સર્વેના જણાવ્યા મુજબ એવા ૪૩ ટકા ભારતીય છે જેને છેલ્લા ૧૨ મહિનામાં ચીનમાં બનેલા કોઇપણ ઉત્પાદન ખરીદ્યું નથી. કમ્યુનિટી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મના સર્વે મુજબ જે લોકોએ ચીનમાં બનેલા ઉત્પાદનોની ખરીદી પણ કરી તેનું કહેવું છે કે એવું તેઓએ ૧થી બે વાર કર્યું છે.

લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત-ચીનના સૈનિકોની વચ્ચે લોહિયાળ અથડામણનું એક વર્ષ પૂરું થઇ ગયું છે. આ અથડામણમાં ભારતના કેટલાંય જવાન શહીદ થઇ ગયા હતા. ત્યારબાદ બંને દેશોના સંબંધોમાં તણાતણી જોવા મળી હતી. જનાક્રોશની વચ્ચે ભારત સરકારે ટિકટોક સહિત ચીનની કેટલીય લોકપ્રિય એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સાથો સાથ દેશમાં ચીનમાં બનેલી વસ્તુના બહિષ્કારની માંગે પણ જોર પકડયું.

ગલવાન ઘાટીના આ સંઘર્ષ બાદ શું સામાન્ય ભારતીયોનો મૂડ પણ ચીની પ્રોડકટસના ઉપયોગને લઇ બદલાયો, તેના પર જયારે લોકલ સર્કલ્સ એ સર્વે કર્યો તો ૪૩%એ કહ્યું કે તેમણે છેલ્લાં એક વર્ષમાં ચીનમાં બનેલો કોઇ જ સામાન ખરીદ્યો નથી. તો જે લોકોએ સામાન ખરીદ્યો પણ તેમાં ૭૦ ટકા લોકોનું કહેવું હતું કે તેમણે પ્રોડકટની સરખામણીમાં ભાવને જોતા એટલે કે સસ્તો હોવાના લીધે સામાન ખરીદ્યો હતો.

તો ૪૦ ટકા લોકોએ ખાસિયતના લીધે અને ૩૮ ટકાએ શ્રેષ્ઠ કવોલિટીના લીધે વસ્તુ ખરીદી. જે લોકોએ ચીનની વસ્તુ ખરીદી તેમાંથી ૬૦ ટકાએ માત્ર ૧-૨ વસ્તુ જ ખરીદી. તેમાં એવા લોકોની સંખ્યા ૧ ટકા હતી જેમણે છેલ્લાં એક વર્ષમાં ૨૦થી વધુ ચાઇનીઝ આઇટમ ખરીદી. આ જ રીતે ૧૫ થી ૨૦ ચાઇનીઝ આઇટમ ખરીદનારાઓની સંખ્યા પણ એટલી જ હતી.

(3:09 pm IST)