Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ઘઉંની સરકારી ખરીદીમાં પંજાબ ફરી એકવાર નંબર વન

મધ્યપ્રદેશ ઘણા બધા પ્રયત્નો છતા બીજા નંબરે

નવી દિલ્હી,તા. ૧૫: સરકાર ઘઉં ખરીદીમાં પંજાબે ફરી એક વાર સાબિત કર્યું છે કે આ બાબતે રાજા તે જ છે. તેણે મધ્યપ્રદેશને પાછળ રાખી દીધુ છેે. રવિ માર્કેટીંગ સીઝન (આરએમએસ) ૨૦૨૦-૨૧માં પંજાબ, મધ્યપ્રદેશ સામે માત ખાઇ ગયું હતું. લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) પર ખરીદીનો ઇતિહાસ જોવામાં આવે તો છેલ્લા ૧૨ વર્ષમાં પંજાબ ફકત એક વાર બીજા નંબર આવ્યુ છે. આરએમએસ ૨૦૧૦-૧૧ થી લઇને અત્યાર સુધીમાં પંજાબ જ એક એવુ રાજ્ય છે. જ્યાં ઘઉંની સરકારી ખરીદી કયારેય ત્રણ આંકડાથી નીચે નથી આવી.

આરએમએસ ૨૦૨૧-૨૨માં પંજાબે ૧૩૨.૧૦ લાખ મેટ્રીક ટન ઘઉંની ખરીદી કરી છે. જ્યારે મધ્યપ્રદેશ ૧૨૮.૦૯ લાખ મેટ્રીક ટનની ખરીદી કરી છે તો બીજી બાજુ આખા દેશમાં ૧૩ જૂન સુધીમાં લગભગ ૪૨૬ લાખ ટન ઘઉં લઘુતમ ટેકાના ભાવે ખરીદવામાં આવ્યા છે. મોદી સરકારે આ વર્ષે ૪૨૭.૩૬ લાખ ટન ખરીદીનું લક્ષ્ય નક્કી કર્યું હતું.

એટલે એમ કહી શકાય કે સરકાર લક્ષ્ય હાંસલ કરવાથી ફકત ૧.૫ લાખ ટન દૂર છે. આ અત્યાર સુધીમાં ખરીદીનો સૌથી ઉંચો આંકડો છે. પાછલો રેકોર્ડ ૩૮૯.૯૨ લાખ ટનનો હતો. ૮૪.૯૩ લાખ ટનની ખરીદી સાથે હરિયાણા ત્રીજા નંબર પર છે જ્યારે યુપી પણ લક્ષ્ય હાંસલ કરવાની નજીક દેખાઇ રહ્યુ છે.

આ વર્ષે દેશમાં ૧૦૮.૭૫ મીલીયન ટન ઘઉં ઉત્પાદનનું અનુમાન છે. જે પાછલા પાંચ વર્ષોના સરેરાશ ૧૦૦.૪૨ મીલીયન ટનના ઉત્પાદન કરતા ૮.૩૨ મીલીયન ટન વધારે છે.

(3:28 pm IST)