Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

લોજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી ચિરાગ પાસવાનને હટાવ્યા : કાર્યકારી અધ્યક્ષપદે સુરજ ભાન ની નિમણૂક

પાંચ દિવસની અંદર રાષ્ટ્રીય કાર્યકારીની બેઠક બોલાવીને નવા અધ્યક્ષની ચૂંટણી કરાશે : સાંસદ ચિરાગ પાસવાન સામે બળવો કરનારા સાંસદોમાં પશુપતિ પારસ સિવાય ચંદનસિંહ, પ્રિન્સ રાજ, વીણાદેવી અને મહેબૂબ અલી કેસર સામેલ

પટણા: ચિરાગ પાસવાન ને લોક જનતા પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી હટાવી લેવામાં આવ્યા છે, તેમની જગ્યાએ સૂરજભાનને કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. સૂરજભાન પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરાવશે. એક વ્યક્તિ એક પદના નિયમ હેઠળ ચિરાગને હટાવવામાં આવ્યો છે.

પાંચ દિવસની અંદર રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવીને નવા અધ્યક્ષની ચૂંટણી કરાવવામાં આવશે. આ પહેલા એલજેપીએ ચિરાગ પાસવાનને પાર્ટીના સંસદીય દળના નેતા પદેથી પણ હટાવી દીધા હતા. લોજપાના 6 સાંસદ હતા, જેમાંથી પાંચે બળવો કરી લોકસભા સ્પીકરને તેની માટે ભલામણ કરી હતી જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. ચિરાગ પાસવાનના કાકા પશુપતિ પારસને એલજેપી સંસદીય દળના નેતા ચૂંટવામાં આવ્યા હતા. ચિરાગને રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી હટાવવાની સાથે કાકા અને ભત્રીજા વચ્ચે સમજૂતિ તૂટી ગઇ હતી. માનવામાં આવી રહ્યુ છે કે પશુપતિ કુમાર પારસ 20 જૂન પહેલા લોકજનશક્તિ પાર્ટીના નવા અધ્યક્ષ ચૂંટાશે.

પશુપતિ પારસ સ્વર્ગીય નેતા રામવિલાસ પાસવાનના નાના ભાઇ છે. લોકસભામાં લોક જનશક્તિ પાર્ટી (LJP)ના નેતા બનવાની સાથે તેમણે પાર્ટીમાં પોતાની પકડ મજબૂત કરવાના સંકેત આપ્યા હતા. સ્પીકર ઓમ બિરલાએ તેમણે સંસદીય દળના નેતા તરીકે માન્યતા પણ આપી દીધી છે. એલજેપીના પાંચ સાંસદોએ મહેબુબ અલી કૈસરને ઉપનેતા ચૂંટ્યા છે. ચંદન સિંહને પાર્ટીના મુખ્ય વ્હીપ બનાવવામાં આવ્યા છે.

લોક જનશક્તિ પાર્ટીમાં સાંસદ ચિરાગ પાસવાન વિરૂદ્ધ બળવો કરનારા સાંસદોમાં પશુપતિ પારસ સિવાય ચંદન સિંહ, પ્રિન્સ રાજ, વીણા દેવી અને મહેબુબ અલી કેસર સામેલ છે. માનવામાં આવી રહ્યુ છે કે પશુપતિ પારસ અથવા એલજેપીના કોઇ બીજા નેતાને મોદી સરકારના સંભવિત કેબિનેટ વિસ્તારમાં જગ્યા મળી શકે છે.

એવુ માનવામાં આવી રહ્યુ હતું કે ચિરાગ પાસવાનના લોજપા અધ્યક્ષ રહેતા એનડીએમાં નીતિશ કુમારની પાર્ટી જેડીયુ અને એલજેપી સાથે આવવુ મુશ્કેલ હતું. સમજવામાં આવે છે કે જેડીયુએ ચિરાગ પાસવાનને એનડીએમાં કોઇ પણ પ્રકારથી સમાયોજિત કરવાનો વિરોધ કર્યો હતો જ્યારે બળવો કરનારા પશુપતિ પારસે નવી તાકાત મેળવવાની સાથે નીતિશ કુમારની પ્રશંસા કરી હતી. એલજેપી સાંસદ મહેબુબ અલીએ પણ કહ્યુ છે કે ચિરાગ પાસવાન દ્વારા નીતિશને ખોટુ કહેવુ યોગ્ય નહતું.

(7:10 pm IST)