Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

' ડોર ટુ ડોર કોવિદ રસીકરણ ' : કેન્દ્રનો કોઈ પ્રતિબંધ નથી : રાજ્ય સરકાર ઈચ્છે તો અમલ કરી શકે છે : ડોર ટુ ડોરને બદલે ' નીઅર ટુ ડોર ' એ માત્ર કેન્દ્ર સરકારની સલાહ છે : તેનો અમલ ફરજીયાત નથી : મહારાષ્ટ્ર સરકાર અથવા બીએમસી ' ડોર ટુ ડોર કોવિદ રસીકરણ ' નો અમલ કરવા માટે સ્વતંત્ર : બોમ્બે હાઇકોર્ટ

મુંબઈ : બોમ્બે હાઇકોર્ટે ગઈકાલ સોમવારે જણાવ્યું હતું કે ' ડોર ટુ ડોર કોવિદ રસીકરણ ' ઉપર કેન્દ્ર સરકારનો કોઈ પ્રતિબંધ નથી. રાજ્ય સરકાર ઈચ્છે તો વૃદ્ધો  તથા દિવ્યાંગ લોકો માટે તેનો અમલ કરી શકે છે. ડોર ટુ ડોરને બદલે ' નીઅર ટુ  ડોર ' એ માત્ર કેન્દ્ર સરકારની સલાહ છે . તેનો અમલ ફરજીયાત નથી. તેથી મહારાષ્ટ્ર સરકાર અથવા બીએમસી ' ડોર ટુ ડોર કોવિદ રસીકરણ ' નો અમલ કરવા માટે  સ્વતંત્ર છે.

બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) દ્વારા ડોર ટુ ડોર રસીકરણ કરવા માટે કેન્દ્રની માર્ગદર્શિકા માંગવામાં આવતા નામદાર કોર્ટે જણાવ્યું હતું કે અમને સ્પષ્ટપણે લાગે છે  કે, વૃદ્ધો અને અપંગ નાગરિકો માટે, રાજ્યો દ્વારા ડોર ટુ ડોર રસીકરણ કાર્યક્રમ હાથ ધરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ સ્પષ્ટ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી . તેથી  ડોર ટુ ડોર રસીકરણની મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવે તો, તેનો અમલ કરવા માટે રાજ્ય સ્વતંત્ર રહેશે ", તેવું નામદાર કોર્ટે સોમવારે  કરેલા આદેશમાં જણાવાયું છે..

મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયાધીશ જી.એસ. કુલકર્ણીની ખંડપીઠ દ્વારા 75 વર્ષથી વધુ વયના નાગરિકો અને દિવ્યાંગ લોકો માટે ડોર-ટુ-ડોર COVID-19 રસીકરણની અરજીની સુનાવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ખંડપીઠે એડીશ્નલ સોલિસિટર જનરલ અનિલ સિંઘને પૂછ્યું હતું કે  કેન્દ્ર સરકારે રાજ્યોને ડોર ટુ ડોર રસીકરણ કરતા  રોકવા માટે કોઈ પગલા ભર્યા છે? તેનો જવાબ નકારાત્મક આવતા નામદાર કોર્ટે જણાવ્યું હતું કે "તો મહારાષ્ટ્ર અથવા બીએમસીને ડોર ટુ ડોર રસીકરણ કરવાથી રોકવાનું કોઈ કારણ નથી.

આથી  બીએમસીએ કહ્યું હતું કે  જો રાજ્ય દ્વારા ડોર ટુ ડોર રસીકરણ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે તો તે અનુસરવા તૈયાર છે.નામદાર કોર્ટે મહારાષ્ટ્ર સરકારને  આ અંગે નિર્ણય લેવા જણાવ્યું હતું. આગામી મુદત 22 જૂન, 2021 રાખવામાં આવી છે તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:53 pm IST)