Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

એલજેપીમાં ભંગાણ બાદ હવે કોંગ્રેસનો વારો :જેડીયુએ કહ્યું -કોંગ્રેસના ઘણા નેતા સંપર્કમાં : બિહારનું રાજકારણ ગરમાયું

જેડીયુના કેટલાક મજબૂત નેતાઓને કોંગ્રેસના ધારાસભ્યોને સાથે લાવવાની જવાબદારી સોંપાઈ : કોંગ્રેસના અડધા ડઝન ધારાસભ્યોએ જેડીયુના નેતાઓ સાથે બેઠક કરી: લગભગ 10 ધારાસભ્યો પાર્ટીને અલવિદા કહે તેવી ચર્ચા

નવી દિલ્હી :એલજેપીમાં ભંગાણ બાદ હવે કોંગ્રેસના સંભવિત ભંગાણના સમાચારથી બિહારનું રાજકારણ ગરમાયું છે. જેડીયુના નેતા અને મુખ્ય પ્રવક્તા સંજયસિંહે દાવો કર્યો હતો કે કોંગ્રેસ ડૂબતી બોટ છે અને કોંગ્રેસના ઘણા નેતાઓ જેડીયુના સંપર્કમાં છે. જ્યારે સમય આવશે ત્યારે બધું જ જાહેર કરવામાં આવશે.

એલજેપીમાં મોટા ભંગાણમાં જેડીયુની મોટી ભૂમિકા પણ માનવામાં આવી રહી છે. હવે જેડીયુએ કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં હોવાનું કહીને હંગામો મચાવ્યો છે. એવું માનવામાં આવે છે કે જેડીયુએ હવે મિશન પંજા શરૂ કરી દીધુ છે, જે અંતર્ગત જેડીયુના કેટલાક મજબૂત નેતાઓને કોંગ્રેસના ધારાસભ્યોને સાથે લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

  સમાચાર સૂત્રો મુજબ જેડીયુએ મિશન પંજા હેઠળ તેનું કામ શરૂ કર્યું છે. સૂત્રોની માહિતી મુજબ, કોંગ્રેસના અડધા ડઝન ધારાસભ્યોએ જેડીયુના નેતાઓ સાથે બેઠક કરી છે. એવું માનવામાં આવે છે કે કોંગ્રેસના 10 ધારાસભ્યો જેડીયુના સંપર્કમાં છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસની વિધાનસભામાં 19 બેઠકો છે. કોંગ્રેસથી છૂટા પડીને જેડીયુમાં જોડાવા માટે ઓછામાં ઓછા 13 ધારાસભ્યો સાથે હોવા જરૂરી છે. રાહ 13 ધારાસભ્યોની છે.

સૂત્રોની માહિતી મુજબ, કોંગ્રેસ હાઈકમાન્ડે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક રામને રોજ કોંગ્રેસના ધારાસભ્યો સાથે સંપર્કમાં રહેવાની અને પ્રવૃત્તિઓ પર નજર રાખવા જવાબદારી સોંપી છે. અહીં કોંગ્રેસની અંદર બિનસત્તાવાર બેઠકોનો સિલસિલો પણ શરૂ થઈ રહ્યો છે. દરેકને એક રહેવાનું કહેવામાં આવી રહ્યું છે.

જેડીયુના દાવાને કોંગ્રેસે નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે તેમના કોઈ ધારાસભ્ય તેમના સંપર્કમાં નથી. કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અજિત શર્માએ કહ્યું કે જીતનરામ માંઝી અને મુકેશ સાહનીએ જે રીતે પોતાનુ વલણ બતાવ્યું છે તે જોતા જેડીયુનું સ્ટંટ મેનેજમેન્ટ છે જેના હેઠળ આ અફવા ફેલાવવામાં આવી રહી છે. કોંગ્રેસનો કોઈ ધારાસભ્ય તૂટી રહ્યો નથી

(8:45 pm IST)