Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

અંધવિશ્વાસનો ચોંકાવનારો કિસ્સો: દિવ્યાંગ કિશોરને 10 કલાક સુધી માટીમાં દબાવી રખાતો : પોલીસે બાબા પાસેથી છોડાવ્યો

કિશોર છેલ્લા 8 મહિનાથી બાબાની પાસે હતો. આટલી ગરમીમાં તે આ કિશોરને ઘણા કલાકો સુધી આ સ્થિતિમાં રાખતો હતો

રાજસ્થાનના સૂરતગઢમાં અંધવિશ્વાસનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. અહીં સારવારના નામે એક કિશોરને ડામ આપવાના અને મૃત્યુ પામેલા બાળકને જીવતા કરવા માટે મીઠાથી ઢાંકી દેવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. સૂરતગઢમાં એક ઢોગી બાબાએ દિવ્યાંગ કિશોરને સાજો કરવા માટે તેની ડોકની નીચેના ભાગને 10 કલાક સુધી માટીમાં દબાવી રાખ્યો હતો. કિશોરને માટીમાં દબાવવા અંગેનો વીડિયો બહાર આવ્યા પછી કેસ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પોલીસે કિશોરને બાબા પાસેથી છોડાવી લીધો છે.

સૂરતગઢના ડેપ્યુટી શિવરતન ગોદરાએ જણાવ્યું હતું કે અહીં બાબા જગન્નાથે દિવ્યાંગ કિશોરને સાજો કરવાનો દાવો કરીને તેને માટીમાં દબાવી દીધો હતો. 14 વર્ષના આ કિશોરનું માથાની નીચેનું આખું શરીર 3 ફૂટ સુધી માટીમાં દબાયેલું હતું. રવિવારે રાતે જ્યારે કેટલાક યુવક NH-62 હાઈવેથી પિપેરણ ગામ તરફ જઈ રહ્યા હતા તો તેમની અચાનક જ નજર આ કિશોર પર પડી હતી.

યુવકોએ કિશોરનો વીડિયો બનાવી લીધો હતો. વીડિયો સોશિયલ મીડિયા પર શેર થયા પછી સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. કિશોરને માટીમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. કિશોર હાલ સ્વસ્થ છે. તેનું મેડિકલ પણ કરાવાયું છે. હાલ એવું જાણવા મળ્યું છે કે કિશોર બાળપણથી જ દિવ્યાંગ છે. માતા-પિતા તેને સારવાર માટે અહીં છોડી ગયાં હતાં.

તેના પરિવારને પણ પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો છે. જોકે હજી સુધી આ બાબતે કોઈ જ કેસ નોંધાયો નથી. ચોંકાવનારી વાત એ છે કે આ કિશોર છેલ્લા 8 મહિનાથી આ બાબાની પાસે હતો. આટલી ગરમીમાં તે આ કિશોરને ઘણા કલાકો સુધી આ સ્થિતિમાં રાખતો હતો.

કિશોરના પિતા દિનેશે જણાવ્યું હતું કે 17 વર્ષ પહેલાં તેના લગ્ન થયા હતા. તેને એક છોકરો અને એક છોકરી છે. બંને બાળપણથી જ દિવ્યાંગ છે. બાળકોને સારવાર માટે દિલ્હી, ગુરુગ્રામ, હિસાર, અંબાલા, જોધપુર સહિત ઘણી જગ્યાઓએ લઈ જવામાં આવ્યાં હતાં. જોકે કોઈ જ રાહત થઈ નહોતી. છોકરાઓના મામાએ તેમના પિતાને એક બાબા વિશે જણાવ્યું હતું. એ પછી કિશોરને લઈને તેઓ બાબાની પાસે આવ્યા અને સારવાર માટે તેને ત્યાં જ મૂક્યો હતો. દિનેશનો દાવો છે કે બાબાની પાસે છોકરાને મૂક્યા પછી તેને ઘણી રાહત છે.

કિશોરના પરિવારના સભ્યોએ કહ્યું હતું કે તે સાજો થઈ જાય એટલા માટે જ તેને બાબાની પાસે મૂકીને આવ્યા હતા. બાબાને ત્યાં પહોંચેલા યુવકોએ જ્યારે કિશોરને આ સ્થિતિમાં જોયો તો તેની સાથે વાતચીત કરી હતી. યુવકોએ તેને પૂછ્યું કે તે શ્વાસ લઈ શકે છે કે કેમ તો તેણે કહ્યું કે તેને તકલીફ પડી રહી છે. સારી રીતે શ્વાસ લઈ શકતો નથી. કિશોરની આજબાજુ માટી હતી અને તે કંઈક ખાઈ રહ્યો હતો. તેણે વધુમાં આ અંગે કહ્યું હતું કે તેને 8થી 10 કલાક સુધી આ સ્થિતિમાં રાખવામાં આવે છે. બીજી તરફ પરિવારના સભ્યો દાવો કરી રહ્યા છે કે આ બાબા અગાઉ આ રીતે જ ચારથી પાંચ બાળકને સાજા કરી ચૂક્યા છે.

(12:00 am IST)