Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

રાંધણ ગેસના નવા સિલેન્‍ડરની ડીપોઝીટમાં ધરમખ વધારો

પ્રજાની સ્‍થિતિ પડયા પર પાટા જેવી

નવી દિલ્‍હી, તા.૧૫: દેશમાં છેલ્લા કેટલાય સમયથી મોંઘવારી માઝા મૂકી રહી છે ત્‍યારે આ સ્‍થિતિ વચ્‍ચે પ્રજાની પડ્‍યા પર પાટા જેવી સ્‍થિતિ સર્જાઈ છે. હિન્‍દુસ્‍તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(HPCL) નવા રાંધણ ગેસના કનેક્‍શનના ભાવમાં વધારો ઝિંકયો છે. રાંધણ ગેસ સિલેન્‍ડર સિવાય રેગ્‍યુલેટરની ડીપોઝીટમાં પણ વધારો કરવામાં આવ્‍યો છે આ નિર્ણયનો અમલ આગામી ૧૬મી જૂનથી અમલ થશે.

કંપની દ્વારા જારી કરાયેલા આદેશો અનુસાર, ૧૪.2KG સિલિન્‍ડર કનેક્‍શન માટે ડિપોઝિટની રકમ ૧૪૫૦ રૂપિયાથી વધારીને ૨૨૦૦ રૂપિયા અને રેગ્‍યુલેટરની કિંમત ૧૫૦ રૂપિયાથી વધારીને ૨૫૦ રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત ૫. KG સિલિન્‍ડર કનેક્‍શન માટે ડિપોઝિટની રકમ ૮૦૦ રૂપિયાથી વધારીને ૧૧૫૦ રૂપિયા કરવામાં આવી છે.

નોંધનીય છે કે, દેશમાં પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવ આસમાને પહોંચી ગયા છે જેના પગલે ગરીબ સહિત મધ્‍યમવર્ગીય પરિવારોની કમર તોડી નાખી છે.

(10:17 am IST)